પેટ્રોલ-ડિઝલના ભાવ વધારીને નફાખોરી કરવાનું સરકાર બંધ કરેઃ સોનિયા

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલની સતત વધી રહેલી કિંમતને લઈને કોંગ્રેસ પાર્ટી આજે દેશભરમાં દેખાવો કરી રહી છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ એક વિડિયો નિવેદન જારી કરીને સરકારને પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે આ મુશ્કેલીનો સમય છે. આવામાં સરકાર નફાખોરી ન કરે. સોનિયા ગાંધીએ આ પહેલાં 16 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને પેટ્રોલ-ડિઝલની કિંમત વધારવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.

એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરીને 18 લાખ કરોડ રૂપિયાની અતિરિક્ત વસૂલાત

સોનિયાએ આજે વધુમાં કહ્યું હતું કે સરકારની જવાબદારી બને છે કે હાલના મુશ્કેલ સમયમાં એ દેશવાસીઓનો સહારો બને, નહીં કે તેમની મુસીબતોનો લાભ ઉઠાવીને નફાખોરી કરે. છેલ્લા ત્રણ મહિનામાં મોદી સરકારે 22 વાર પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કર્યો છે. 2014 પછી મોદી સરકારે જનતાને ક્રૂડ ઓઇલની ઘટી ગયેલા આંતરરાષ્ટ્રીય ભાવનો લાભ પહોંચાડવાને બદલે પેટ્રોલ-ડિઝલ પર 12 વખત એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરીને 18 લાખ કરોડ રૂપિયાની વધારાની વસૂલાત કરી છે. જનતાની મહેનતની કમાણીથી પૈસા કાઢીને સરકારી ખજાના ભરવાનું આ તો જીવતું જાગતું ઉદાહરણ છે.

દેશ કોરોના રોગચાળાથી ઝઝૂમી રહ્યો છે

સોનિયા ગાંધીએ કહ્યું છે કે એક તરફ દેશ કોરોના રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાએ ખરાબ વધારે હાલત કરી દીધી છે. દિલ્હી સહિત મોટાં શહેરોમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટર 80 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. એની સીધી પ્રતિકૂળ અસર ખેડૂત, નોકરિયાત લોકો, દેશના મધ્યમ વર્ગ અને નાના-મધ્યમ વેપારીઓ પર પડી રહી છે. હું સરકાર સમક્ષ માગણી કરું છું કે પેટ્રોલ-ડિઝલની વધેલી કિંમતને પાછી લેવામાં આવે અને માર્ચથી જેટલી એક્સાઇઝ ડ્યુડી વધારવામાં આવી છે, એને પણ પરત લેવામાં આવે.

છેલ્લા 21 દિવસસોથી સતત દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પેટ્રોલ-ડિઝલની કિંમતને સ્થિર રાખવામાં આવી હતી, પણ આજે એમાં ફરી સામાન્ય વધારો થયો હતો.