નવી દિલ્હીઃ અમેરિકાના વોશિંગ્ટન એપલ પર આયાત ડ્યુટી ઘટાડવા બદલ કોંગ્રેસે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. કોંગ્રેસે મોદી સરકારના અમેરિકાના ખેડૂતોને ભેટ અને દેશના સફરજનના ઉત્પાદકો પર ચાબુક સમાન ગણાવ્યો છે, કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે PM બનતાં પહેલાં વડા પ્રધાન મોદી વોશિંગ્ટન એપલ પર 100 ટકા આયાત ડ્યુટી લગાવવાની વાત કહી હતી.
કોંગ્રેસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમેરિકાના ખેડૂતોને ભેટ આપતાં વડા પ્રધાન મોદીએ G20 સમિટ દરમ્યાન વોશિંગ્ટન એપલ પર આયાત ડ્યૂટી 15 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે અમેરિકાના ખેડૂતોને ત્યાંની સરકાર કેટલાય પ્રકારની સબસિડી આપે છે.તેમણે કહ્યું હતું કે અમેરિકા પ્રવાસ પહેલાં વડા પ્રધાન મોદીએ અમેરિકી સફરજન પર આયાત ડ્યુટી 70 ટકાથી ઘટાડીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે શું વડા પ્રધાન મોદી હિમાચલમાં હારનો બદલો લઈ રહ્યા છે?
क्या PM मोदी हिमाचल के सेब किसानों से अपनी हार का या अडानी के ख़िलाफ़ प्रदर्शन का बदला ले रहे हैं?
— Supriya Shrinate (@SupriyaShrinate) September 12, 2023
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે હિમાચલ કુદરતી માર ખમી રહ્યું છે, ત્યારે એને મદદ કરવાને બદલે મોદી પ્રદેશના ખેડૂતો પર કોરડો વીંઝીં રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના સફરજનના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. કોંગ્રેસે માગ કરી હતી કે સરકાર વોશિંગ્ટન સફરજનની આયાત ડ્યુટી ઘટાડવા વિશે પુનર્વિચાર કરે.