કોર્ટમાં સુનાવણી વખતે CM અરવિંદ કેજરીવાલની તબિયત બગડી

નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની તબિયત બુધવારે એ સમયે બગડી હતી, જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. CM કેજરીવાલનું સુગર ડાઉન થયું હતું. ત્યાર બાદ તેમને બીજા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા.

દિલ્હી લિકર નીતિ મામલામાં ધરપકડ કરવામાં આવેલા CM અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી. એ દરમ્યાન કેજરીવાલે હાઇકોર્ટમાં વચગાળાના સ્ટેની વિરુદ્ધ અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત લીધી હતી. તેમણે કહ્યું હતું કે હાઇકોર્ટે જામીનના નીચલી કોર્ટના આદેશમાં ઘણી ક્ષતિઓ ગણાવી હતી. એને પડકારતાં નવી અરજી દાખલ કરવા ઇચ્છું છું, એમ તેમણે કહ્યું હતું.જસ્ટિસ મનોજ મિશ્રા અને SVN ભટ્ટીની ખંડપીઠે કેજરીવાલને અરજી ખેંચવાની મંજૂરી આપી હતી. તેમના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું હતું કે હાઇકોર્ટે 25 જૂને આદેશ પસાર કર્યો હતો, જેથી તેઓ એક નક્કર અપીલ દાખલ કરવા ઇચ્છે છે.

આ પહેલાં દિલ્હીના CMની CBIએ ધરપકડ કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થશે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની બુધવારે CBI દ્ધારા ધરપકડ કરવામાં આવી હતી. CBIએ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી (AAP)ના વડાની પૂછપરછ કરવા માટે તેમની કસ્ટડીની માગ કરી હતી. CBI અધિકારીઓએ ગઈ કાલે સાંજે તિહાડ જેલમાં કેજરીવાલની પૂછપરછ પણ કરી હતી.

કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેમની એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અરજી દ્વારા દિલ્હીના CMએ હાઈકોર્ટના જામીનના આદેશ પર સ્ટેને પડકાર્યો છે. વાસ્તવમાં, દિલ્હીની એક નીચલી અદાલતે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, જેના પર હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. EDએ કેજરીવાલના જામીનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી બાદ કોર્ટે જામીન પર સ્ટે મુકવાનો આદેશ આપ્યો હતો.