નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેજરીવાલ સરકારે દિલ્હીના નાગરિકોને 16 ડિસેમ્બરથી ફ્રી વાઇફાઇ આપવાની યોજનાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ તેમના ઘોષણા પત્રમાં ફ્રી વાઈફાઈ આપવાનું વચન આપ્યું હતું જે હવે 16 ડિસેમ્બરે પૂર્ણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું કે, ઈન્ટરનેટ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે જેથી અમે દિલ્હીમાં ફ્રી ઈન્ટરનેટ સેવા શરુ કરવા જઈ રહ્યા છીએ. આ સાથે જ મેનિફેસ્ટોમાં કરેલા તમામ વચનો પૂર્ણ થઈ જશે.
યોજનાની જાણકારી આપતા કેજરીવાલે કહ્યું કે, પ્રથમ 100 વાઈફાઈ હોટસ્પોટનું ઉદ્ઘાટન 16 ડિસેમ્બરે કરવામાં આવશે. બસ સ્ટેન્ડ પર 4 હજાર વાઇફાઇ હોટસ્પોટ અને બાકીના 7 હજાર સમગ્ર દિલ્હીમાં લગાવવામાં આવશે, કુલ 11 હજાર હોટસ્પોટ લાગશે. તેના પર લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્યારબાદ દર અઠવાડિયે 500 વાઇફાઇ હોટસ્પોટ જોડવામાં આવશે અને 6 મહિના અંદર 11 હજાર હોટસ્પોટ સ્થાપિત કરી દેવામાં આવશે. દર અડધા કિલોમીટર પર હોટસ્પોટની સુવિધા મળશે.
દરેક યુઝરને દર મહિને 15 જીબી ફ્રી ડેટા મળશે. જેની સ્પીડ વધુમાં વધુ 200 અને ઓછામાં ઓછી 100 એમબીપીએસ હશે. એક હોટસ્પોટ પર 100 લોકો ઈન્ટરનેટનો વપરાશ કરી શકશે જેના માટે એક એપ પણ તૈયાર કરવામાં આવી છે. ફ્રી વાઈફાઈના ઉપયોગ માટે KYC અથવા OPT વિકલ્પ આપવામાં આવશે. જે લોકો વાઈફાઈની 50 મીટરની રેન્જમાં હશે તે લોકો આપોઆપ જોડાઈ જશે.
કેજરીવાલે કહ્યું કે અમે 2015ની વિધાનસભા ચૂંટણીમાં ફ્રી વાઇફાઇ આપવાનો વાયદો કર્યો હતો. ફ્રી વાઇફાઇ આપવાની સાથે જ અમારા ચૂંટણીના વાયદા પૂરા થઇ ગયા અને આવુ કરનારી દેશની પ્રથમ સરકાર આમ આદમી પાર્ટીની હશે. કેજરીવાલે કહ્યું કે ફ્રી વાઇફાઇથી વિદ્યાર્થીઓને સુવિધા મળશે. આ યોજનામાં દરરોજ દોઢ જીબી ફ્રી ડેટા મળશે.
આમ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાતની સાથે ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનો પૂર્ણ કરવાની શરુઆત કરી છે, પણ આ યોજના અન્ય રીતે પણ મહત્વની છે કારણ કે, છેલ્લા ઘણા સમયથી ફ્રી કોલની સાથે સસ્તા ઈન્ટરનેટનો જમાનો બે દિવસ પહેલા જ ખતમ થઈ ગયો જ્યારે પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓએ તેમના ચાર્જમાં વધારો કર્યો. આ સ્થિતિમાં કેજરીવાલ સરકાર ફ્રી વાઈફાઈની યોજના દ્વારા લોકોને ફ્રી ઈન્ટરનેટ સાથે ઝડપી સ્પીડનો પણ દાવો કરી રહી છે.