નવી દિલ્હીઃ બાળ દિવસ દેશમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જયંતી છે. બાળ દિવસના દિવસે મોટાભાગની શાળામાં બાળકો માટે રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઘણી શાળાઓમાં બાળ દિવસના દિવસે બાળકોને પ્રવાસ પર લઈ જવામાં આવે છે. બાળ દિવસના દિવસે બાળકોને ભેટ-સોગાદો આપવામાં આવે છે. બાળ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે. સાથે જ આ દિવસે બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. એ ખૂબ જરુરી છે કે બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે કારણકે બાળકો દેશનું ભવિષ્ય છે.
UN દ્વારા 20 નવેમ્બર 1954 ના રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુના નિધન પહેલા 20 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવતો હતો. પરંતુ 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ બાળકો પ્રત્યે તેમના પ્રેમને જોતા સર્વસંમતિથી એ નિર્ણય થયો કે હવેથી દર વર્ષે 14 નવેમ્બરના રોજ ચાચા નહેરુના જન્મ દિવસ પર બાળ દિન મનાવવામાં આવશે. ત્યારબાદ દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે.
ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ડે 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1959 માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ બાળ અધિકારોની જાહેરાત કરી હતી. બાળ અધિકારોને ચાર અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, સહભાગિતાનો અધિકાર અને વિકાસનો અધિકાર. જો કે ઘણા દેશો એવા પણ છે કે જ્યાં 20 નવેમ્બરની જગ્યાએ અન્ય દિવસોએ બાળ દિવસ મનાવવામાં આવે છે.
ઘણા દેશોમાં 1 જૂનના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. તો ચીનમાં 4 એપ્રીલ, પાકિસ્તાનમાં 1 જુલાઈ, અમેરિકામાં જૂનના બીજા રવિવારના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. આ સિવાય બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5 મે, પશ્ચિમી જર્મનીમાં 20 સપ્ટેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે.