વિદ્યાર્થીઓને શશી થરુરની એક જ સલાહ: વાંચો, વાંચો અને માત્ર વાંચો…

નવી દિલ્હી: શશી થરુરનું નામ સાંભળતા જ આપણા મગજમાં તેમના શાનદાર ભાષણ અને તેનાથી પણ ધારદાર તેમનું અંગ્રેજી ઘૂમવા લાગે છે. તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશી થરુરનું ધારદાર અંગ્રેજી સાંભળીને આપણે એવો વિચાર આવે કે તે કદાચ વધુ પડતી ડિક્શનરીનો અભ્યાસ કરતા હશે.

તાજેતરમાં જ થરુર એક કોલેજ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા આ દરમ્યાન એક વિદ્યાર્થીએ તેમને તેમના શાનદાર શબ્દકોશમાંથી એક નવો શબ્દ જણાવવા કહ્યું. આ ઘટનાનો ઉલ્લેખ શશી થરુરે તેમના ટ્વિટર પર કર્યો અને જણાવ્યું કે તેમણે પેલા વિદ્યાર્થીને શું જવાબ આપ્યો.

શશી થરુરે કહ્યું કે, ‘હું તેમને એકદમ સામાન્ય અને જૂનો શબ્દ જણાવીશ. બસ, આવી રીતે જ મે મારા શબ્દકોશને બનાવ્યો છે. લોકોને લાગે છે કે, હું મુર્ખ છું જે આખો દિવસ ડિક્શનરી વાંચતો રહું છું. મે મારી જીંદગીમાં ભાગ્યે જ કોઈ દિવસ ડિક્શનરી ખોલી હશે, પણ મે વિસ્તૃત રીતે અભ્યાસ ચોક્કસ કર્યો છે. જો તમે જાતે અભ્યાસ કરો છો તો વિસ્તારથી કરો છો અને એક જ શબ્દનો અર્થ ત્રણ પુસ્તકોમાં અલગ અલગ હોય છે અને આવી રીતે તમે તેનો અર્થ પણ સમજી જાવ છો અને તમને તરત જ તેનો ઉપયોગ કરતા પણ શીખી જાવ છો’.

થરુરે એમ પણ કહ્યું કે, ‘હું આવો એટલા માટે છું કારણ કે ભૂતકાળમાં તમારા બધા કરતા વધુ ફાયદામાં રહ્યો. હું એવા ભારતમાં રહ્યો જ્યાં ટીવી, કમ્પ્યુટર, નિનટેન્ડો, પ્લે સ્ટેશન કે મોબાઈલ ન હતા. અને મને અસ્થમાની બિમારી પણ હતી જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડવાને કારણે મોટાભાગે બેડ પર રહેતો હતો. મારી પાસે માત્ર પુસ્તકો હતા, પુસ્તકો મારી શિક્ષા હતી. હું મારી ઉંમર કરતા વધુ અભ્યાસ કરતો હતો. મારા મગજની સાથે સાથે મારો શબ્દકોશ પણ સમુદ્ધ થતો ગયો. એટલા માટે તમારા બધાને મારી એક જ સલાહ છે કે, વાંચો વાંચો અને માત્ર વાંચો’….

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]