બેંગલુરુ – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આજે જણાવ્યું છે કે ભારતના દ્વિતીય માનવરહિત ચંદ્રમિશન ચંદ્રયાન-2નું ઓર્બિટર સંપૂર્ણપણે સંતોષજનક રીતે નિર્ધારિત વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યું છે.
ભારતની આ અવકાશ સંશોધન સંસ્થાનું એમ પણ કહેવું છે કે ઓર્બિટર પરની તમામ સિસ્ટમ કામ કરી રહી છે. નેશનલ કમિટી ઓફ એકેડેમિશ્યન્સ તથા ઈસરોનાં નિષ્ણાતો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટવાના કારણનું વિશ્લેષણ કરી રહ્યા છે.
ઓર્બિટરનું આયુષ્ય સાત વર્ષથી પણ વધારે સમયગાળાનું છે. આ વર્ષો દરમિયાન તે ચંદ્રની ધરતી, ચંદ્ર પરના વાતાવરણનો અભ્યાસ કરશે તથા ચંદ્ર પર બરફીલા પાણીના અંદાજિત જથ્થા વિશેની જાણકારી મેળવવાનો પણ પ્રયાસ કરશે.
વિક્રમ લેન્ડર સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવાની આશા પાતળી બની રહી હતી એવામાં ઈસરો તરફથી કરવામાં આવેલા નવા નિવેદનથી આશા ફરી બળવત્તર થઈ છે.
ચંદ્રયાન-2ના લેન્ડર સાથે ઈસરો સ્થિત વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટી ગયાને 12 દિવસ થઈ ગયા છે. વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે ત્યાં દિવસનો ભાગ શરૂ થઈ રહ્યો હતો.
વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી પર ગઈ 7 સપ્ટેંબરની વહેલી સવારે સોફ્ટ લેન્ડિંગ કરાવવાની ઈસરોની યોજના ધાર્યા મુજબ પરિપૂર્ણ થઈ શકી નહોતી.
‘નાસા’ને મળી લેન્ડરની મહત્ત્વની તસવીર; બે દિવસમાં ચમત્કાર થશે?
વિક્રમ લેન્ડર સાથે ઈસરોનાં વિજ્ઞાનીઓનો સંપર્ક તૂટી જતાં લેન્ડરનું ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ થયું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. એને કારણે ભારતમાં નિરાશા વ્યાપી છે, પરંતુ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ કરેલા પ્રયત્નોને કારણે વિક્રમ લેન્ડર વિશે નવી આશા બંધાઈ છે.
‘નાસા’એ તેના ચંદ્રમાની ફરતે મોકલેલા ઓર્બિટરે ચંદ્ર પરના એ જ ભાગની તસવીરો લીધી છે જ્યાં વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
‘નાસા’ના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO)એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક જઈને એ જ સમયે ઘણી તસવીરો લીધી છે જ્યારે વિક્રમ લેન્ડરે લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. LRO ઓર્બિટર પરના કેમેરાએ તે તસવીરો લીધી છે. LRO નિષ્ણાત ટીમ એ તસવીરોનું વિશ્લેષણ કરે છે અને એમાં વિક્રમ લેન્ડર દેખાય છે કે નહીં, વિક્રમ લેન્ડરે ઉતરાણ કર્યું એ પહેલાંની અને હાલની તસવીરો જોઈને એ વિશ્લેષણ કરશે.