મેડિકલ શિક્ષણમાં OBCને 27%, EWSને 10% અનામતનો-લાભ

નવી દિલ્હીઃ દેશના સમાજના પછાત વર્ગો તથા આર્થિક રીતે કમજોર વર્ગોના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણ મેળવવાના મામલે કેન્દ્ર સરકારે આજે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ઐતિહાસિક ગણાવ્યો છે. આ નિર્ણય અનુસાર, ઓલ ઈન્ડિયા ક્વોટા યોજના અંતર્ગત અન્ડરગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષણમાં અધર બેકવર્ડ ક્લાસ (OBC) વર્ગના વિદ્યાર્થીઓ માટે 27 ટકા બેઠક અનામત રખાશે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના વિદ્યાર્થીઓ માટે 10 ટકા બેઠક અનામત રાખવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી આશરે 5,500 વિદ્યાર્થીઓને લાભ થશે. સરકાર પછાત વર્ગો તથા ઓછી આવકવાળા વર્ગોનાં વિદ્યાર્થીઓને અનામત પ્રથાનો લાભ આપવા પ્રતિબદ્ધ છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.