સુરક્ષા દળોના તમામ કાર્યાલયોમાં હવે સરદાર પટેલની તસવીર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીઆરપીએફ અને બીએસએફ સહિત કેન્દ્રીય સુરક્ષાદળોને દેશની સુરક્ષા અને એકતા સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે દરેકના કાર્યાલયોમાં સરદાર પટેલની તસવીર લગાવવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે, આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી છે.

ગૃહમંત્રી અમિત શાહે તમામ કેન્દ્રીય સુરક્ષાદળોને નિર્દેશ આપ્યા કે, તે ‘ભારતની સુરક્ષા અને એકતાને અમે અંખડ રાખીશું’ આવા સંદેશ સાથે પટેલની તસવીર લગાવે. સરદાર પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતાં. સરદાર પટેલને 560થી વધુ રજવાળાઓને ભારતીય સંઘમાં વિલય કરવાનો શ્રેય આપવામાં આવે છે. ભાજપ સરદાર પટેલને સહારે કોંગ્રેસને આડે હાથ લેતી આવી છે. ભાજપ એવા આરોપ લગાવી રહી છે કે, કશ્મીર મુદ્દા પર જો સરદાર પટેલને નિર્ણય લેવાની તક મળી હોત તો આજે સ્થિતિ કંઈક અલગ હોત.

થોડા સમય અગાઉ જ એક ચૂંટણી સભામાં અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, પાક અધિકૃત કશ્મીરની સમસ્યા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ જવાબદાર છે. તેમનું કહેવું છે કે, જો નેહરુએ જેતે  સમયે યુદ્ધવિરામની જાહેર ન કરી હોત તો પાક અધિકૃત કશ્મીર અસ્તિત્વમાં જ ન આવ્યું હોત. શાહે કહ્યું હતુ કે, નેરુના બદલે સરદાર પટેલે આ મુદ્દે નિર્ણય લેવાની જરૂર હતી. તો અન્ય એક કાર્યક્રમમાં અમિત શાહે નેહરુના વલણને હિમાલયથી પણ મોટી ભૂલ ગણાવી હતી.

અમિત શાહ અને સરદાર પટેલનું અન્ય એક કનેક્શન પણ છે. અમિત શાહની બાયોગ્રાફી ‘અમિત શાહ એન્ડ ધ માર્ચ ઓફ બીજેપી’ માં લેખક અનિર્બન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદીએ જણાવ્યું કે, શાહે માત્ર 13 વર્ષની ઉંમરે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, અમિત શાહ દ્વારા પ્રથમ ચૂંટણી પ્રચાર સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી મણીબેન પટેલના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. મણીબેન પટેલ વર્ષ 1977માં ગુજરાતના મહેસાણાથી જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.