તિરુવનંતપુરમઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ સમર્થન આપ્યું છે કે કેરળના કોઝીકોડમાં એક ચાલુ ટ્રેનમાં સહ-પ્રવાસીઓને જીવતા સળગાવનાર શાહરૂખ સૈફીના આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે. સૈફીએ અલપ્પૂઝા-કાન્નુર એક્સપ્રેસ ટ્રેનના ડી-2 કોચમાં પ્રવાસીઓ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. તે હુમલામાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બીજા ઘણાં જખ્મી થયાં છે. હુમલો કરતી વખતે આરોપી સૈફી પણ દાઝ્યો હતો. હુમલો કર્યા બાદ એ ફરાર થઈ ગયો હતો. ઈજાની સારવાર માટે તે ભટકતો રહ્યો હતો. એ છેક મહારાષ્ટ્રના રત્નાગિરી પહોંચી ગયો હતો, પણ કેરળ અને મહારાષ્ટ્રની પોલીસે બાતમી મળતાં સંયુક્ત કામગીરી હાથ ધરીને સૈફીને રત્નાગિરી સ્ટેશને પકડી લીધો હતો.
કેન્દ્રીય તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ,, શાહરૂખ સૈફી દિલ્હીના શાહીન બાગનો રહેવાસી છે. એ કેરળમાં એકલો ગયો નહોતો. ટ્રેનની આખી બોગીને સળગાવી દઈને મોટો હુમલો કરવાના ઈરાદા સાથે એને કેરળમાં બોલાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય એજન્સીઓને શંકા છે કે આ ટ્રેન હુમલા પાછળ કોઈક કાવતરું છે. જો સૈફી આખી બોગીને સળગાવવામાં સફળ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, કારણ કે તે સ્થળની બાજુમાં જ હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઓઈલ ટાંકીઓ આવેલી છે.