કેડબરીનો ખુલાસોઃ ભારતમાં ઉત્પાદિત અમારી પ્રોડક્ટ્સ 100%-શાકાહારી

નવી દિલ્હીઃ કેડબરીના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની કેટલાક લોકોએ કરેલી હાકલને પગલે બ્રિટનની આ મલ્ટીનેશનલ કન્ફેક્શનરી કંપનીએ એક ખુલાસો બહાર પાડ્યો છે અને એવા દાવાઓનું ખંડન કર્યું છે કે તેની અમુક પ્રોડક્ટ્સમાં જિલેટીનનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે નકારાત્મક પોસ્ટ્સને કારણે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે.

કેડબરીએ કહ્યું છે કે ભારતમાં ઉત્પાદિત અને વેચાતી અમારી બધી પ્રોડક્ટ્સ 100 ટકા શાકાહારી હોય છે. રેપર ઉપર લીલા રંગનું ટપકું એ જ સૂચવે છે. એક વેબસાઈટ પરથી એક સ્ક્રીનશોટ ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ કેડબરીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની હાકલ કરાઈ હતી. તે પોસ્ટમાં એમ જણાવાયું હતું કે જો કોઈ પ્રોડક્ટમાં જિલેટીન એક તત્ત્વ તરીકે વપરાતું હોય તો એનો અર્થ એ કે તે તત્ત્વ ગાયના માંસમાંથી (બીફ)માંથી મેળવાયું છે. આ હાકલને પગલે કેડબરી કંપનીને ખુલાસો કરવો પડ્યો છે.