નવી દિલ્હી – પ્રતિબંધિત કેફી દ્રવ્ય કોકેન દાણચોરીથી ભારતમાં લાવવા બદલ અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રાઝિલીયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.
રૂ. 3 કરોડ 10 લાખની કિંમતનું કોકેન 64 કેપ્સ્યૂલ્સમાં ભરવામાં આવ્યું હતું. પેલો શખ્સ એ કેપ્સ્યૂલ્સને ગળી ગયો હતો.
આ શખ્સ ગઈ 27 ઓગસ્ટે સાઓ પાઉલોથી એડીસ અબાબા થઈને દિલ્હી આવી રહ્યો હોવાની બાતમી મળ્યા બાદ ભારતીય કસ્ટમ્સ સત્તાવાળાઓએ ચાંપતી નજર રાખી હતી.
જેવો એ માણસ દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યો કે તરત એને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને એના શરીરમાંથી કોકેનની કેપ્સ્યૂલ્સ બહાર કાઢવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું કે એરપોર્ટ પર કસ્ટમ્સ ચેકિંગમાંથી બચવા માટે એ કેપ્સ્યૂલ્સ ગળી ગયો હતો.
કસ્ટમ્સ અધિકારીઓએ હજી એ પ્રવાસીનું નામ આપ્યું નથી, અને કહ્યું છે કે તેઓ આ શખ્સના નેટવર્ક વિશે તપાસ કરી રહ્યા છે.
64 કેપ્સ્યૂલ્સમાં 620 ગ્રામ કોકેન (સફેદ રંગનો પાવડર) ભરવામાં આવ્યું હતું.
ડ્રગ ટેસ્ટ પરથી જાણવા મળ્યું હતું કે તે પાવડર કોકેન છે. ત્યારબાદ એ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.