લખનૌ- ઉત્તરપ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના કુલપતિને બીજેપી યુવા મોર્ચાના જિલ્લા અધ્યક્ષે એક પત્ર લખ્યો છે. જેમાં માગ કરવામાં આવી છે કે, AMU પરિસરમાં મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં આવે જેથી AMUનું છબીને ધર્મનિરપેક્ષ કરી શકાય. સાથે જ કહેવામાં આવ્યું છે કે, કુલપતિ 15 દિવસની અંદર આ મુદ્દે પોતાનો જવાબ રજૂ કરે, નહીં તો અમારા કાર્યકર્તાઓ યૂનિવર્સિટી કેમ્પસની અંદર ઘૂસીને મૂર્તિની સ્થાપના કરી દેશે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ યોગી આદિત્યનાથે પણ AMUમાં એસસી,એસટી આરક્ષણને લઈને સવાલો ઉઠાવ્યા હતાં.
બીજેપી યુવા મોર્ચાના જિલ્લા અધ્યક્ષ મુકેશ સિંહ લોધી દ્વારા આ લેટર લખવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે, 24 ફેબ્રુઆરી સુધીમાં કુલપતિ પોતાનો જવાબ રજૂ નહીં કરે તો, અમારા હજારો કાર્યકર્તાઓ સાથે મળીને કેમ્પસમાં જ્યાં જગ્યા મળશે ત્યાં મૂર્તિની સ્થાપના કરી દેશે. કેમ્પસમાં હજારો હિંદૂ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. પરંતુ અહીં કોઈ મંદિર નથી. જેથી વિદ્યાર્થીઓને પુજા અર્ચના કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં લખ્યું છે કે, કેમ્પસમાં મંદિર બન્યા બાદ હિન્દૂ-મુસ્લિમ એકતાનું પણ એક ઉદાહરણ સામે આવશે.
જોકે આ મુદ્દે યૂનિવર્સિટીના પ્રવક્તા સેફી કિદવઈએ કહ્યું કે, અમને બીજેપી યુવા મોર્ચા તરફથી કોઈ અધિકારિક પત્ર નથી મળ્યો. તેમણે કહ્યું કે, આ માગ રાજકીય છે, અને આ એક શૈક્ષણિક સંસ્થા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ યોગી આદિત્યનાથે પણ AMUમાં એસસી,એસટી આરક્ષણને લઈને સવાલો ઉઠાવ્યા હતાં.