નવી દિલ્હીઃ અલીગઢના બીજેપી સાંસદ સતીષ ગૌતમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી દ્વારા કારણદર્શક નોટિસ જાહેર કરવાની ઘટનાની નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે એએમયુ પરિસરમાં તિરંગા યાત્રા આયોજિત કરવા માટે એએમયુએ અજય સિંહને કારણદર્શક નોટિસ જાહેર કરી છે.
આ મામલે સાંસદ સતીષ ગૌતમે કહ્યું કે આ યોગ્ય નથી અને નોટિસ પાછી લેવામાં આવે. લાગે છે કે એએમયુના અધિકારી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. હકીકતમાં એએમયુ પ્રશાસને છાત્ર નેતા અજય સિંહને પરિસરમાં 22 જાન્યુઆરીના રોજ તિરંગા યાત્રા કે જેને તે લોકો અનઅધિકૃત જુલૂસ કહે છે તે કાઢવા બદલ કારણ દર્શક નોટિસ જાહેર કરી છે. નોટિસ પ્રોક્ટર પ્રોફેસર મોહસિન ખાને આ નોટિસ જાહેર કરી છે.
સાંસદ સતીષ ગૌતમે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ફરિયાદ કરી છે. પત્રમાં સતીષ ગૌતમે લખ્યું છે કે વિશ્વ વિદ્યાલય પ્રશાસનને પૂછવામાં આવે કે નોટિસ કઈ માનસીકતાથી મોકલવામાં આવી છે?
અજય સિંહને જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવાયું છે કે આ જુલૂસ શૈક્ષણિક કાર્યના સમયે કાઢવામાં આવ્યું હતું. આમાં એ પણ કહેવાયું છે કે જુલૂસમાં મોટી સંખ્યામાં બહારના લોકો હતા અને આમાં અસામાજિક તત્વો પણ શામિલ હતા. એએમયૂએ જુલૂસ કાઢ્યા પહેલા મંજૂરીની અનિવાર્યતા રાખેલી છે. તો આ મામલે અજય સિંહે જણાવ્યું કે તેમને સૂચના નહોતી આપવામાં આવી કે યાત્રાની મંજૂરીના આગ્રહનો અસ્વિકાર કરવામાં આવ્યો છે.