અયોધ્યા જમીન વિવાદ કેસમાં પાંચ-જજની નવી બેન્ચની રચના કરાઈ

નવી દિલ્હી – બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન માલિકી કેસમાં સુનાવણી કરવા માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પાંચ-જજની નવી બેન્ચની નિમણૂક કરી છે.

આ બેન્ચ પર ચીફ જસ્ટિસ ગોગોઈ ઉપરાંત આ ચાર ન્યાયમૂર્તિઓ પણ છેઃ એસ.એ. બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર.

નવી બેન્ચ આવતી 29 જાન્યુઆરીએ કેસમાં સુનાવણીનો આરંભ કરશે.

બેન્ચ પર ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીરે ન્યાયમૂર્તિ યૂ.યૂ. લલિતનું સ્થાન લીધું છે.

અગાઉ, ચીફ જસ્ટિસ ગોગોઈએ જે પાંચ-જજની નિમણૂક કરી હતી એમાંથી જસ્ટિસ લલિતને એટલા માટે હટી જવું પડ્યું હતું કારણ કે મુસ્લિમોના પક્ષના વકીલ રાજીવ ધવને એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો કે જસ્ટિસ લલિત ભૂતકાળમાં (1997માં) કલ્યાણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારનો કેસ લડ્યા હતા, તેથી આ કેસમાં તેઓ જજ બની ન શકે.

અગાઉની પાંચ-જજની બેન્ચમાં આ સભ્યો હતાઃ ચીફ જસ્ટિસ ગોગોઈ, એસ.એ. બોબડે, એન.વી. રામન્ના, યૂ.યૂ. લલિત અને ડી.વાય. ચંદ્રચૂડ. હવે નવી બેન્ચમાં, ચીફ જસ્ટિસ ગોગોઈએ ન્યાયમૂર્તિ રામન્નાની જગ્યાએ જસ્ટિસ અશોક ભૂષણને સ્થાન આપ્યું છે.