જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

પુરીઃ ઓરિસ્સાની તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થવા જઇ રહી છે. રથયાત્રા સાથે જોડાયેલી તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે. આ રથયાત્રાનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. તેમાં ભાગ લેવા અને ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે દુનિયાભરમાંથી શ્રદ્ધાળુ જગન્નાથપુરી પહોંચી ગયા છે. પુરીની સાથો સાથ દેશના અલગ-અલગ હિસ્સામાં પણ પ્રતીક તરીકે રથયાત્રાનું આયોજન કરાય છે.

આજે ભગવાન જગન્નાથને રથ પર સવાર કરાશે અને ભવ્ય યાત્રાની સાથે જગન્નાથ ભગવાન પોતાના માસીના ઘરે જવા માટે રવાના થશે. ભગવાન જગન્નાથના માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. જ્યાં શ્રી જગન્નાથ ભગવાન દરવર્ષે એક સપ્તાહ રહેવા માટે જાય છે. આ દિવસે યાત્રાની તૈયારી સવારથી જ શરૂ થઇ જશે અને દિવસભર કેટલાંય રીત-રિવાજ કર્યા બાદ રથ ખેંચવાનું પાવન કામ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.

દર વર્ષે અષાઢ મહિનાના શુકલ પક્ષની બીજના દિવસે દેશ અને દુનિયામાં વિખ્યાત આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે અને આ આયોજન શુકલ પક્ષના 11મા દિવસે ભગવાન ઘરે પાછા આવે ત્યાં સુધી રહે છે. કેટલાંય મહિનાઓથી આ યાત્રાની તૈયારી ચાલી રહી છે અને ખાસ રથ પણ તૈયાર કરાય છે. વસંત પંચમીથી જ રથ નિર્માણનું કામ શરૂ થઇ જાય છે અને લીમડાના ઝાડના લાકડામાંથી વિશાળ રથ બનાવાય છે અને તેને બનાવામાં ધાતુનો ઉપયોગ કરાતો નથી.

ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના ત્રણ રથ તૈયાર થઇ ચૂકયા છે અને પૂર્વ નિર્ધારિત સ્થળ પર પૂજા માટે પહોંચાડી દેવાયા છે. દુનિયાભરમાંથી આવેલા હજારો ભકતો ભજન કિર્તન કરતા-કરતાં યાત્રા શરૂ થવાની અને રથ ખેંચવાની રાહ જોઇ રહ્યા છે. આ સિવાય 142મી ભગવાન જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કરાય છે. સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી દરેક ગતિવિધિ પર નજર રખાશે.