જમ્મુઃ ભીખ માગવાનું પણ વેપારીકરણ થયું છે. ભિખારીઓ લોકોની ધાર્મિક ભાવના અનુસાર દિન-પ્રતિદિન પોતાના પહેરવેશમાં પરિવર્તન આણે છે. જમ્મુના ભિખારી ભગવાનના ફોટાનો બખૂબી ઉપયોગ કરે છે. ભિખારી બનેલા બાળકો કોઈક દિવસે વૈષ્ણોદેવી તો કોઈક દિવસે મહાદેવનો ફોટો થાળીમાં સજાવીને ભીખ માગવા નીકળી પડે છે. વળી દરેક ભિખારીનો પોતાનો વિસ્તાર છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં અને સ્કૂલ-કોલેજો, શોપિંગ મોલ અને થિયેટરોની બહાર ભિખારી પૈસા માગવા માટે લોકોનો દૂર સુધી પીછો કરે છે. આ ભિખારીઓ લોકોનાં કપડાં (ગંદા હાથથી) પણ ખેંચે છે. એના લીધે લોકોને ઘૃણા થાય છે અને ક્યારેક અકળામણમાં તેઓ પીછો છોડાવવા ભીખ પણ આપી દે છે. વળી આ ભિખારીઓ રવિવારે વીક-ઓફ્ફ પણ રાખે છે.
જમ્મુ-કાશ્મીરમાં ભીખ માગવા પર પ્રતિબંધ નથી, પણ શહેરમાં ભિખારીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. જેથી લોકોને રસ્તા ચાલવામાં પણ હેરાનગતિ થાય છે.
ભિખારીઓનું સંગઠન
આ ભિખારીઓ પણ હોશિયાર હોય છે, તેમણે કાર્ટેલ બનાવી રાખી છે. તેમનું એક સંગઠન હોય છે. જે મુજબ દરેક ભિખારીનો પોતાનો એક વિસ્તાર હોય છે. એક ભિખારી અન્ય વિસ્તારમાં ના જાય અને બીજા ભિખારીને પોતાના વિસ્તારમાં આવવા પણ ના દે.
વાર પ્રમાણે થાળી સજાવટ
ભિખારી સોમવારે બાબા બર્ફાનીનો ફોટો થાળીમાં સજાવીને ભીખ માગે છે, જ્યારે શુક્રવારે તેઓ માતા વૈષ્ણોદેવીનો ફોટોવાળી થાળી લઈને ભીખ માગે છે. મંગળવારે અને શનિવારે હનુમાનજીને નામે ભીખ માગે છે અને ગુરુવારે સાંઇબાબાને નામે ભીખ માગે છે.
ભીખ માગતાં બાળકો માટે ICPS
જમ્મુ-કાશ્મીરમાં ભીખ માગતાં બાળકો માટે ICPS (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ) ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકોનું કાઉન્સેલિંગ અને તેમની દેખભાળ કરવામાં આવે છે. આ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવે છે. જોકે બહારના બાળકો માટે હાલ કોઈ યોજના નથી, એમ ICPSના ડિરેક્ટર મુશ્તાકે જણાવ્યું હતું.
હાઇ કોર્ટે બેગરી એક્ટને ગેરકાયદે ગણાવ્યો
જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે ઓક્ટોબર, 2019માં ભીખ માગવા સંબંધી પ્રિવેન્શન ઓફ બેગરી એક્ટ 1960 અને રુલ્સ 1964ને ગેરબંધારણીય ગણાવ્યો છે. હાઇ કોર્ટે દલીલ કરી હતી કે જરૂરી સુવિધાઓ માટે સંઘર્ષ ગરીબને ભિખારી બનાવી દે છે.