‘બાનુ મુશ્તાક’ કન્નડ સાહિત્યને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવનારી પહેલી લેખિકા

ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે મંગળવારે (20 મે, 2025) તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ‘હાર્ટ લેમ્પ’ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો. તેઓ કન્નડ ભાષાની પ્રથમ લેખિકા બની જેમણે અનુવાદિત સાહિત્ય માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતી ઇતિહાસ રચ્યો.

આ પુરસ્કાર માટે વિશ્વભરના છ શ્રેષ્ઠ પુસ્તકોમાંથી ‘હાર્ટ લેમ્પ’ ની પસંદગી કરવામાં આવી હતી. એ એવોર્ડ જીતનાર પહેલો ટૂંકી વાર્તા સંગ્રહ પણ છે. દીપા ભાષ્ટી આ પુસ્તક માટે અનુવાદક રહી અને તેઓ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય અનુવાદક બન્યા. બંનેને લંડનના ટેટ મોર્ડન ખાતે આયોજિત સમારંભમાં એવોર્ડ અને £50,000ની ઈનામી રકમ મળી, જે લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે વહેંચાઈ.

કોણ છે બાનુ મુશ્તાક?

બાનુ મુશ્તાક કર્ણાટકની જાણીતી લેખિકા, કાર્યકર્તા અને વકીલ છે. તેઓ 1970 અને 1980ના દાયકામાં બાંદા સાહિત્ય ચળવળમાંથી ઊભરી આવ્યા હતા.  જે ચળવળ ખાસ કરીને જાતિ અને વર્ગ આધારિત અસમાનતાઓનો પડકાર આપી રહી હતી. બાનુ દલિત અને મુસ્લિમ મહિલાઓના અધિકારોના હિમાયતી તરીકે ઓળખાય છે. એમણે પત્રકાર તરીકે નવ વર્ષ કામ કર્યું અને હસન સિટી મ્યુનિસિપલ કાઉન્સિલમાં બે ટર્મ સેવા આપી. સાહિત્ય ક્ષેત્રે તેમની યોગદાન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી અને દાના ચિંતામણિ અટ્ટીમાબે પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે.

હાર્ટ લેમ્પ’નો ભાવસભર અહેસાસ

‘હાર્ટ લેમ્પ’ દક્ષિણ ભારતીય પિતૃસત્તાક સમાજમાં જીવતી મુસ્લિમ મહિલાઓના સંઘર્ષ અને વેદનાઓનું જીવનંત ચિત્રણ કરે છે. બાનુએ 1990થી 2023 દરમિયાન 50 જેટલી વાર્તાઓ લખી હતી, જેમાંથી દીપા ભાષ્ટીએ 12 વાર્તાઓ પસંદ કરી, એનું અંગ્રેજીમાં રૂપાંતરણ કર્યું. એ તમામ વાર્તાઓમાં મહિલાઓના આંતરિક સંઘર્ષો, સમાજની બાંધછોડો અને મૂલ્યો સામેની તેમની ઊંડાણપૂર્વકની લડત વર્ણવાયેલી છે.

એવોર્ડ મળ્યા પછી, બાનુ મુશ્તાકે કહ્યું કે, “આ પુસ્તક એ માન્યતામાંથી જન્મ્યું છે કે કોઈ પણ વાર્તા નાની નથી હોતી. માનવ અનુભવના તાંતણામાં દરેક દોરો મહત્વનો છે. આજે જ્યારે દુનિયા અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સાહિત્ય એ ખોવાયેલા પવિત્ર સ્થળો પૈકી એક છે જ્યાં આપણે એકબીજાના મનમાં જીવ્યા કરી શકીએ છીએ, ભલે માત્ર થોડાં પાનાંઓ માટે જ હોય.”

બાળપણથી જ સર્જનાત્મકતા સાથેનો સબંધ

બાનુએ પોતાની પહેલી ટૂંકી વાર્તા શાળાના સમયે લખી હતી. જો કે એમની પહેલી વાર્તા 26 વર્ષની ઉંમરે પ્રજામત મેગેઝિનમાં પ્રકાશિત થઈ અને ત્યાથી એમનું નામ સાહિત્યજગતમાં ઉજળાયું. એક મોટા મુસ્લિમ પરિવારમાં જન્મેલી બાનુને એમના પિતાનો દ્રઢ સહારો મળ્યો હતો. બાળપણમાં એમણે શાળાના તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો,  જે એમના સામાજિક ન્યાય માટેના ઝંઝાવાતી સંઘર્ષનું પ્રારંભિક ચિત્રણ છે.

અન્ય સાહિત્યિક યોગદાન

‘હાર્ટ લેમ્પ’ સિવાય પણ બાનુ છ ટૂંકી વાર્તા સંગ્રહો, એક નવલકથા, એક નિબંધ સંગ્રહ અને એક કાવ્યસંગ્રહની લેખિકા છે. 2013માં એમની પ્રથમ પાંચ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘હસીના મટ્ટુ ઇથારા કાથેગાલુ’ પ્રકાશિત થયો હતો. તાજેતરમાં 2023માં ‘હેન્નુ હદીના સ્વયંવર’ નામે કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો.

એમના શબ્દો પ્રમાણે, “આ જીત વ્યક્તિગત માન્યતા નહીં પણ ટીમવર્ક અને ભાષાની માન્યતા છે.” તેઓ માને છે કે અનુવાદને કારણે કન્નડ જેવી સમૃદ્ધ ભાષા વિશ્વ સુધી પહોંચી શકે છે અને બહુવિધ સાંસ્કૃતિક દૃષ્ટિકોણોને જગત સમક્ષ મૂકી શકે છે.