બેન્કોએ પાંચ વર્ષમાં રૂ. 10 લાખ કરોડ રાઇટ ઓફ કર્યા

નવી દિલ્હીઃ ભારતની શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કો (SCBs)એ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં રૂ. 10,09,511 કરોડની લોન રાઇટ ઓફ કરી દીધી છે. સરકારે 19 ડિસેમ્બરે સંસદમાં આ માહિતી આપી છે. એવી લોનોને રાઇટ ઓફ કરવામાં આવે છે, જેની વસૂલાતની કોઈ સંભાવના નથી થઈ રહી અને બેન્ક આ બેડ એસેટ્સને બેલેન્સશીટમાંથી દૂર કરવા ઇચ્છે છે. બેન્કો આવી લોનો સામે જોગવાઈ કરી રાખે છે. આ રાઇટ ઓફથી બેન્કોની નફાકારકતા પર અસર થાય છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે બેન્કોએ કરેલી શંકાસ્પદ લેણાંને રાઇટ ઓફ કરેલી રકમની લોનોના લોનધારકો રિપેમેન્ટ માટે ઉત્તરદાયી રહેશે અને લોનોની વસૂલીની પ્રક્રિયા જારી છે. તેમણે કહ્યું હતું કે બેન્કોએ વિવિધ વસૂલીની હાલની વ્યવસ્થા હેઠળ રાઇટ ઓફ્ફ કરેલાં ખાતાંઓમાં શરૂ કરવામાં આવેલી વસૂલાતની કાર્યવાહીને જારી રાખવામાં આવશે.

તેમમે RBIના ડેટાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં રાઇટ ઓફ કરવામાં આવેલી લોનોમાંથી રૂ. 1,03,045 કરોડની જ વસૂલી થઈ શકી છે. છેલ્લાં પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કુલ રૂ. 4,80,111 કરોડની જ રિકવરી કરી શકાઈ છે.

બેન્કોની  વાત કરીએ તો દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેન્ક સ્ટેટ બેન્કે છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડ રાઇટ ઓફ કર્યા છે, જ્યારે પંજાબ નેશનલ બેન્કે છેલ્લાં ચાર વર્ષમાં રૂ. 67,214 કરોડ રાઇટ ઓફ કર્યા છે, જ્યારે IDBI બેન્કે રૂ. 50,514 કરોડ અને HDFC બેન્ક રૂ. 34,782 કરોડ રાઇટ ઓફ કર્યા છે.