મુંબઈ – બેન્ક કર્મચારીઓએ આવતી 26, 27 સપ્ટેંબરે ઘોષિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે. આ હડતાળનું એલાન ચાર બેન્ક કર્મચારી યુનિયનોએ કર્યું હતું. સરકારે 10 સરકારી બેન્કોનું વિલિનીકરણ કરીને એમાંથી 4 બેન્કો બનાવી લીધી તેના વિરોધમાં બેન્ક કર્મચારીઓના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું હતું.
કર્મચારીઓના સંગઠનોનાં પ્રતિનિધિઓએ આજે કેન્દ્રીય નાણાં સચિવ સાથે બેઠક કર્યા બાદ હડતાળને પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્મચારીઓની માગણીઓ અંગે સકારાત્મક ઉકેલ લાવવાની કેન્દ્રીય સચિવે એમને ખાતરી આપતા કર્મચારીઓએ હડતાળ પર જવાનો વિચાર માંડી વાળ્યો છે.
ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓની હડતાળ પડી હોત તો આ અઠવાડિયે દેશભરમાં બેન્કિંગ કામકાજ ખોરવાઈ જાત, કારણ કે 26-27 સપ્ટેંબરે એમની હડતાળ હોત અને ત્યારબાદના બે દિવસ – શનિવાર અને રવિવાર રજાના હોત.
એમની માગણી છે કે બેન્ક કર્મચારીઓ માટે કામકાજના પાંચ-દિવસના અઠવાડિયાનો નિયમ તાત્કાલિક રીતે લાગુ કરવામાં આવે, રોકડ સોદાઓના સમયમાં ઘટાડો કરવામાં આવે અને કર્મચારીઓનાં કામકાજના કલાકોમાં નિયમન કરવામાં આવે.
હડતાળનું એલાન ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન, ઈન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્ક ઓફિસર્સ સંગઠનોએ કર્યું હતું.