“અબકી બાર ટ્રમ્પ સરકાર”ના નારા પર કોંગ્રેસના પ્રહારો, અમિત શાહનો વળતો પ્રહાર…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનના કાર્યક્રમ “હાઉડી મોદી”માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમણે અબ કી બાર ટ્રમ્પ સરકાર કહ્યું હતું. હવે આ નિવેદન પર ભારતમાં વિપક્ષે સવાલ કરવા માંડ્યા છે. કોંગ્રેસે પીએમ મોદીના આ નિવેદનને વિદેશ નીતિનો ભંગ ગણાવ્યો છે. 

કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ આનંદ શર્માએ ટ્વીટ કરીને પીએમ મોદી પર તેમના નિવેદન બદલ નિશાન સાધ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માનનીય વડાપ્રધાન, બીજા દેશની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ નહીં કરવાની લાંબા સમયથી ચાલતી આવતી ભારતની વિદેશ નીતિનો તમે ભંગ કર્યો છે. તે  ભારતના દીર્ઘકાલીન રણનૈતિક હિતો માટે નુકસાનકારક છે. શર્માએ કહ્યું કે અમે તમને યાદ અપાવવા માંગીએ છીએ કે તમે અમેરિકામાં અમારા વડાપ્રધાન તરીકે છો, અમેરિકી ચૂંટણીના સ્ટાર કેમ્પેઈનર તરીકે નહીં.

ગઈકાલે હાઉડી મોદી  (Howdy Modi) કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ નવો નારો આપ્યો. ‘અબકી બાર ટ્રમ્પ સરકાર. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત- અમેરિકાની મિત્રતાને દર્શાવવા માટે લોસ એન્જલસ ટુ લુધિયાણા અને ન્યૂજર્સી ટુ ન્યૂ દિલ્હી જેવા શહેરોના જોડકા બનાવી શબ્દો પ્રયોગ કર્યો હતો.

મોદીએ આટલું કહેતા જ બાજુમાં ઉભેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હસવા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મારી સાથે તે વ્યક્તિવત્વ છે જેને કોઇ પરિચયની જરૂર નથી. તેમનું નામ વિશ્વનાં દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફ ઇશારો કરતા કહ્યું કે, 2017માં તમે મને પોતાનાં પરિવાર સાથે મળાવ્યો હતો. આજે હું તમને મારા પરિવાર સાથે મુલાકાત કરાવી રહ્યો છું.

કોંગ્રેસ પર પલટવાર કરતા ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, હાઉડી મોદી કાર્યક્રમથી આખી દુનિયામાં એ સંદેશ ગયો છે કે ન્યુ ઈન્ડિયા દેશને એકજુટ અને સુરક્ષિત રાખવામાં કોઈ કસર નહી છોડે. વડાપ્રધાન મોદીના નેતૃત્વને ધન્યવાદ, આજે આખી દુનિયા આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયકમાં ભારત સાથે મજબૂતીથી ઉભી છે. આખી દુનિયામાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ન્યૂ ઈન્ડિયાની તાકાતને દર્શાવે છે. હું મજબૂત ભારત અને દરેક ભારતીયોના સ્વપ્નનું ભારત રજૂ કરવા માટે વડાપ્રધાનનો આભાર માનું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]