બાબા રામદેવે મહારાષ્ટ્ર મહિલા પંચની માફી માગી

મુંબઈઃ તાજેતરમાં પડોશના થાણે શહેરમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમ વખતે મહિલાઓ અંગે નિવેદન કરતી વખતે યોગગુરુ બાબા રામદેવની જીભ લપસી ગઈ હતી. એમણે વિવાદાસ્પદ નિવેદન કરી દીધું હતું. એને કારણે એમની વ્યાપકપણે ટીકા થઈ છે.

રામદેવે એવું કહ્યું હતું કે, ‘મહિલાઓ સાડી, સલવાર અને સૂટ પહેરે તોય સુંદર લાગે અને મારી જેમ કંઈ ન પહેરે તોય સુંદર લાગે.’ ઉલ્લેખનીય એ છે કે, તે કાર્યક્રમમાં મંચ પર એમની બાજુમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ બેઠાં હતાં.

રામદેવના તે વિધાનની મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે ગંભીર નોંધ લીધી હતી અને રામદેવને આદેશ આપ્યો હતો કે એમનું નિવેદન મહિલાઓનાં સમ્માન અને પ્રતિષ્ઠા માટે ધક્કા સમાન હોઈ તેઓ ત્રણ દિવસની અંદર આ વિશે સ્પષ્ટતા કરે. રામદેવે પોતાના નિવેદન બદલ માફી માગી લીધી છે. એમણે કહ્યું છે કે મહિલાઓનું અપમાન કરવાનો એમનો કોઈ ઈરાદો નહોતો. પોતાના નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો પોતે માફી માગે છે. આ જાણકારી મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે આપી છે.