વડા પ્રધાન મોદીનો આ છે નવો મિત્ર; ઈન્ટરનેટ પર મચાવી દીધી છે ધમાલ

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભૂલકા સાથે એમની બે તસવીર આજે ઈન્ટરનેટ પર અપલોડ કરી છે અને ઈન્ટરનેટ પર આ ટેણીયો છવાઈ ગયો છે. વડા પ્રધાન મોદીના ખોળામાં રમતા આ બાળકની તસવીરને ઈન્ટરનેટ યુઝર્સે ખૂબ જ પસંદ કરી છે.

વડા પ્રધાને આ તસવીરો અપલોડ કર્યાની અમુક જ સેકંડમાં વાયરલ થઈ હતી અને એના લાખો લાઈક્સ મળ્યા હતા.

મોદીએ બાળક સાથેની આ બે તસવીર એમના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાની અમુક જ મિનિટમાં એને લાખો લાઈક્સ મળ્યા હતા, અઢળક કમેન્ટ્સ આવી છે.

એક જણે કમેન્ટમાં લખ્યું છેઃ ‘બાળક ભારતમાં સૌથી સુરક્ષિત હાથમાં છે.’

મોદીએ આ બાળકની તસવીરો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છેઃ ‘એક ખૂબ જ સ્પેશિયલ મિત્ર આજે સંસદભવનમાં મને મળવા આવ્યો હતો.’

ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 2 કરોડ 53 લાખથી વધારે ફોલોઅર્સ છે.

પહેલી તસવીરમાં મોદી બાળકને હાથમાં પકડીને રમાડી રહ્યા છે અને બાળક એક ગોલ્ડન પ્લેટ હાથમાં પકડીને રમી રહ્યો છે.

બીજી તસવીરમાં, બાળક ટેબલ પર પડેલી એક ચોકલેટ સુધી ઉત્સૂક્તાપૂર્વક હાથ લંબાવતો જોઈ શકાય છે અને મોદી એને તે ઝડપી લેવા માટે મદદ કરતા જણાય છે.

આ બાળક મધ્ય પ્રદેશના ઉજ્જૈનના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય ડો. સત્યનારાયણ જતિયાનો પૌત્ર છે. જતિયા આજે સંસદભવનમાં પીએમ મોદીને એમનાં પરિવારજનો અને પૌત્ર સાથે મળવા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી અવારનવાર એમના ભાષણમાં જણાવતા રહ્યા છે કે બાળકો પાસેથી આપણને ઘણું શીખવા મળે છે અને એમની સાથે રમવું માનસિક તાણને હળવી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.