ઉત્તરાખંડમાં કેદારનાથ સહિતના ચારધામના રુટ પર ભારે વરસાદ અને વાદળો ફાટતાં ભારે તારાજી સર્જાઈ છે. યાત્રાધામોના રુટ પર ફલાયેલા સેંકડો યાત્રાળુઓને બચાવવા માટે યુદ્ધના ધોરણે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શુક્રવારે એરફોર્સ દ્વારા ચિનુક અને એમઆઇ 17 હેલિકોપ્ટરોની મદદથી 5 હજાર યાત્રાળુઓને ઉગારવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના સંખ્યાબંધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે. 31 જુલાઇની રાત્રે 10 વાગ્યાની આસપાસ કેદારનાથથી માત્ર બે કિલોમીટરના અંતરે ભારે વરસાદના કારણે મંદાકિની નદીમાં પૂર આવ્યું હતું. ગૌરીકુંડથી કેદારનાથ સુધીનો લગભગ 16 કિલોમીટરનો ટ્રેક ધોવાઇ ગયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડ અને કેરળમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. આ વર્ષે ભૂસ્ખલનથી સૌથી વધુ અસર ઉત્તરાખંડે વેઠી છે. ગયા વર્ષે અહીં ભૂસ્ખલનની 1173 ઘટના ઘટી હતી જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 1516થી વધુ ઘટના બની ગઈ છે. એટલે, માત્ર જુલાઈમાં જ ભૂસ્ખલનની 30%થી વધુ ઘટના બની હાઈ-વે બંધ થવાને કારણે 2068 ઘટના બની છે. જોકે રાજ્યમાં વરસાદ સામાન્ય કરતાં 4% ઓછો પડ્યો છે. વાયુસેનાએ કેદાર વેલીમાં ચિનુક અને એમઆઇ 17 હૅલિકોપ્ટર ઉડાડ્યાં. ગુરુવારે સવારથી અત્યાર સુધીમાં 3500 લોકોને સુરક્ષિત રીતે કાઢ્યા છે. શુક્રવારે પણ 700 યાત્રીને કાઢ્યા હતા. વાદળ ફાટવાથી કેદારનાથના રુદ્રપ્રયાગવાળા રસ્તાને સૌથી વધુ નુકસાન થયું છે. સોનપ્રયાગમાં શુક્રવારે સવારે ભારે ભૂસ્ખલન થયું. તેનાથી પગપાળા માર્ગ તૂટી ગયો. હવે એસડીઆરએફ બીજી વાર સરવે કરીને બીજો પગપાળા માર્ગ બનાવશે. તો બીજી બાજુ મનાલી પાસે પર્વત ધસી પડતાં 4 લોકો ફસાયા છે. રામપુર બુશહરમાં વાદળ ફાટ્યા પછી 4 લોકોનાં મૃત્યુ થયાં છે. 49 ગુમ છે.