જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર રવિવારના રોજ પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું.
આ દરમિયાન કનૈયા કુમારના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તેમના સમર્થકો અને મીડિયાકર્મચારીઓ વચ્ચે પણ આ દરમિયાન બોલાચાલી થઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને કનૈયા કુમારના કાફલાને આગળ વધાર્યો હતો. જો કે આ ઘટનામાં કનૈયા કુમારને કોઈ હાની કે ઈજા થઈ નથી.
આ પહેલા સાત ફેબ્રુઆરીના રોજ કટિહારમાં કનૈયા કુમારના કાફલા પર ચંપલ ફેંકવામાં આવ્યા હતા અને સુપૌલ જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકો કનૈયા કુમારના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.