જૈસા સબને સોચા થા..: અજીત પવારને ક્લીન ચીટ મળી જ ગઇ!!

મુંબઈઃ એનસીપીના અજીત પવારને સિંચાઈ ગોટાળામાં મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરોએ અજીત પવારને કથિત સિંચાઈ ગોટાળામાં ક્લિન ચીટ આપી છે. એસીબીએ ગત 27 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે તત્કાલિન VIDC ચેરમેન અજિત પવારને એક્ઝિક્યુશન એજન્સીઓના કૃત્યો માટે જવાબદાર ન ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ આ ગોટાળાને લઈને અજિત પવાર પર નિશાન સાધતા રહ્યા છે. વર્ષ 2014 માં મુખ્યમંત્રી બન્યા બાદ ફડણવીસે જ આ કેસમાં પહેલી કાર્યવાહી કરી હતી. તેમણે સિંચાઈ ગોટાળામાં અજીત પવારની કથિત ભૂમિકાની તપાસના આદેશ આપ્યા હતા. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ કોંગ્રેસ-અેનસીપી સરકારના સમયે જ્યારે અજીત પવાર ઉપ મુખ્યમંત્રી હતા, ત્યારે આશરે 70 હજાર કરોડ રુપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો.

મહારાષ્ટ્રના આ ચર્ચિત ગોટાળામાં એન્ટી કરપ્શન બ્યૂરોએ નવેમ્બર 2018 માં પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવાર પર સવાલો ઉઠાવ્યા હતા. મહારાષ્ટ્ર એસીબીએ ત્યારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે કરોડો રુપિયાના કથિત ભ્રષ્ટાચારના મામલે પવાર અને અન્ય સરકારી અધિકારીઓની ચૂક સામે આવી છે. અજીત પવાર પાસે વર્ષ 1999 થી 2014 દરમિયાન કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં સિંચાઈ વિભાગની જવાબદારી હતી.