હૈદરાબાદ ઘટના પછી નિર્ભયાના ગુનેગારોને ઝડપથી ફાંસી થઇ શકે

નવી દિલ્હીઃ હૈદરાબાદ રેપ કેસના આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર વચ્ચે નિર્ભયા રેપ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નિર્ભયા કેસના આરોપીઓને જલ્દી સજા મળે તેવી માંગ વચ્ચે આરોપીઓએ દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી છે. ગૃહ મંત્રાલયે દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી આપી છે. જોકે, ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને આ અરજી ફગાવવા માટે વિનંતી કરી છે. આ અરજી દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેગલ પાસેથી ગૃહ મંત્રાલય પાસે પહોંચી હતી.

મંત્રાલય દ્વારા પોતાની ભલામણ રાષ્ટ્રપતિને મોકલવી એક પ્રક્રિયાનો ભાગ છે. હવે રાષ્ટ્રપતિ દયાની અરજી પર નિર્ણય લેશે. જો રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે તો ગુનેગારોને ફાંસીની સજા થઈ શકે છે. દયાની અરજીના નિર્ણયમાં બિનજરૂરી વિલંબ થવાના આધારે આરોપીઓ ઈચ્છે તો ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.

મહત્વનું છે કે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા દોષિતોમાં એક વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. નિર્ભયા પર 16 ડિસેમ્બર 2012એ સામૂહિક બળાત્કાર થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને આ પછી તેનું મોત થયું હતું. રેપની આ બર્બર ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને વિરોધ પ્રદર્શનો થયા હતા. તો આ ઘટનાને સંબંધિત 16 ડિસેમ્બરે જ ચારેય દોષિતોને ફાંસી પર લટકાવવામાં આવશે એવી પણ અટકળો ચાલી રહી છે.

તિહાડ જેલ પ્રશાસનનું કહેવું છે કે ચારેય કેદીઓને આગામી 16 ડિસેમ્બર સુધીમાં ફાંસી આપી દેવામાં આવશે કે નહીં તે વિશે હાલ કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે રાષ્ટ્રપતિ જેવી તેમની દયા અરજી ફગાવશે તેવી જ જેલ પ્રશાસ તેમને ફાંસીના માચડા પર લટકાવી દેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેશે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપીઓના આજે એન્કાઉન્ટરમાં મોત થયા છે. હવે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર જનતા સવાલ કરી રહી છે કે દિલ્હીમાં 7 વર્ષ પહેલા બનેલી ધ્રુજાવી દેનારા નિર્ભયા કાંડના આરોપીઓને ક્યારે ફાંસી પર લટકાવવામાં આવશે?