નવી દિલ્હી- પુલવામા આતંકી હુમલાને એક રૂટીન ઘટના ગણાવનાર કોંગ્રેસ લીડર સામ પિત્રોડાના નિવેદન પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે આકરા પ્રહારો કર્યાં હતાં. અમિત શાહે સીધા રાહુલ ગાંધીને આકરા સવાલો કર્યાં હતાં. .
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે સામ પિત્રોડાના નિવેદન પર શહીદોના પરિવારજનો અને દેશની જનતાની માફી માગવી જોઈએ. દેશની જનતા કોંગ્રેસની નીતિને સારી રીતે સમજે છે, એટલે જ કોંગ્રેસને સાઈડમાં ધકેલી દીધી છે.
શાહે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસે પાર્ટીના વિદેશ વિભાગના કોઓર્ડિનેટર સામ પિત્રોડાએ જે નિવેદન આપ્યું તે ઘણી ચિંતાઓને જન્મ આપનારું છે
શાહે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી જણાવે કે, શું તે આતંકી ઘટના મામલે પાકિસ્તાનને જવાબદાર નથી માનતા? રાહુલ એ પણ બતાવવું જોઈએ કે, પિત્રોડાની વાતચીતથી આતંકવાદના નિવારણની વાત પર તેમની શું નીતિ છે. કોંગ્રેસ અધ્યક્ષે એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે, શું તે આવા જધન્ય હુમલાને સામાન્ય ઘટના માને છે? સર્જિકલ સ્ટ્રાઈક વખતે રાહુલ ગાંધીએ ‘લોહીની દલાલીની‘ વાત કરી હતી, હવે એર સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવે છે. રાહુલે દેશની જનતાની માફી માગવી જોઈએ.
અમિત શાહે કહ્યું કોંગ્રેસના આવા નિવેદનોથી શહીદોનું અપમાન થયું છે, અને દેશને તોડીપાડવા બેઠેલા લોકોનું મનોબળ મજબૂત થયું છે. શાહે કહ્યું કે, રાજનીતિમાં કંઈ પણ ખાનગી નથી હોતું. હું કોંગ્રેસને પુછવા માગુ છું કે, કયારેય પી.ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, નવજોત સિંહ સિન્ધુ, મણિશંકર અય્યર અને ક્યારેક સંદિપ દીક્ષિત જેવા લોકોના નિવેદનો સામે વ્યક્તિગત નિવેદનો આપો છો? આ રાહુલ ગાંધીની રણનીતિનો હિસ્સો છે. કોંગ્રેસ અધ્યક્ષે હવે સ્વયં માફી માંગવી જોઈએ.