ખડગે કોંગ્રેસઅધ્યક્ષ બનવા સાથે બધા પદ થયાં હંગામીઃ અધીર રંજન

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારનો સામનો કર્યા પછી કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ એકમના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેમણે કહ્યું છે કે જે દિવસે મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના અધ્યક્ષ બન્યા, ત્યારથી પાર્ટીના બંધારણના હિસાબે પાર્ટીના બાકીનાં પદો અસ્થાયી થઈ ગયાં છે.

તેમણે કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે પણ ખડગેએ કહ્યું હતું કે જો જરૂરી હશે તો મને પણ બહાર રાખવામાં આવશે. એનાથી હું પરેશાન થઈ ગયો હતો. જોકે હું હંગામી પાર્ટી અસ્થાયી અધ્યક્ષ હતો. જેથી મને AICCએ પશ્ચિમ બંગાળના કોંગ્રેસ નેતાઓની એક મીટિંગ બોલાવવા કહ્યું હતું. એ પાર્ટીની મીટિંગમાં પાર્ટી બે પ્રસ્તાવ પસાર કરવા ઇચ્છતી હતી. એ મીટિંગમાં ગુલામ અલી મીરે કહ્યું હતું કે ભૂતપૂર્વ અધ્યક્ષ પણ અહીં છે. એ સમયે મને માલૂમ થયું હતું કે હું પશ્ચિમ બંગાળનો ભૂતપૂર્વ અધ્યક્ષ બની ગયો છું.

અધીર રંજન ચૌધરી 1999થી લોકસભા સાંસદ હતા, પણ આ વખતની ચૂંટણીમાં તેમને TMCના યુસુફ પઠાણની વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ મહા સચિવ વેણુગોપાલે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વની કોઈ સમસ્યા થશે તો લોકો ઈમેઇલ કે મેસેજ દ્વારા તેમની વાત કહી શકશે.જોકે હાલ અધીર રંજન ચૌધરીની જગ્યાએ કોઈ નવા અધ્યક્ષનું એલાન નથી થયું. ચૂંટણી વખતે ચૌધરીને મમતા બેનરજીની વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. ત્યાર પછી કોંગ્રેસ અધ્યક્ષે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.