હવે બંધ થશે તમામ ગરીબ રથ ટ્રેનો, એસીની સસ્તી મુસાફરી ખતમ…

નવી દિલ્હીઃ તત્કાલીન રેલ પ્રધાન લાલૂ પ્રસાદ યાદવે ગરીબોનું એસી ટ્રેનમાં ફરવાનું સ્વપ્ન સાકાર કરવા માટે વર્ષ 2006માં ગરીબ રથ એક્સપ્રેસની શરુઆત કરી હતી. પરંતુ હવે વર્તમાન સરકાર ગરીબ રથ ટ્રેનોને મેલ એક્સપ્રેસમાં બદલી રહી છે. એટલે કે ગરીબ રથ ટ્રેનો હવે જલ્દી જ બંધ થવાની છે. આ કડીમાં સૌથી પહેલા પૂર્વોત્તર રેલવેથી ચાલનારી કાઠગોદામ-જમ્મૂ અને કાઠગોદામ-કાનપુર સેન્ટ્રલ ગરીબ રથને 16 જુલાઈથી મેલ-એક્સપ્રેસના રુપમાં બદલી દેવામાં આવી છે. એટલે કે આ રુટ પર ગરીબ રથની સસ્તી મુસાફરી બંધ થઈ ગઈ છે.રેલવેનું કહેવું છે કે ગરીબ રથની બોગીઓ બનવાની બંધ થઈ ગઈ છે. એટલે ટ્રેક પર જે બોગીઓ દોડી રહી છે તે તમામ આશરે 14 વર્ષ જૂની છે. ત્યારે આવામાં ચરણબદ્ધ રીતે ગરીબ રથની બોગીઓને હવે મેલ એક્સપ્રેસમાં બદલી દેવામાં આવશે. આ કાર્યની શરુઆત પણ થઈ ગઈ છે. ગરીબ રથ ટ્રેનને મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનમાં બદલતા જ ટ્રેનનું ભાડુ વધી જશે, જેનાથી ગરીબ રથની સસ્તી મુસાફરી બંધ થઈ જશે. દેશમાં આશરે 26 ગરીબ રથ ટ્રેનો છે અને તમામને ધીમે-ધીમે મેલ એક્સપ્રેસમાં બદલી દેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ગરીબ રથમાં 12 બોગીઓ હોય છે અને તમામ 3AC કોચ હોય છે. આ ટ્રેનોને મેલ ટ્રેનોમાં બદલવાની યોજના અંતર્ગત કોચની સંખ્યા 12 થી વધારીને 16 કરવામાં આવી શકે છે. આ 16 બોગીઓમાં થર્ડ એસી, સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં જ્યારે લાલૂ યાદવે ગરીબ રથ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમની ખૂબ વાહ-વાહ થઈ હતી. કારણ કે એક સામાન્ય માણસનું એસી ટ્રેનમાં મુસાફરી કરવાનું સ્વપ્ન પૂરું થવાનું હતું.

ગરીબરથ 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડવામાં સક્ષમ છે. આ ટ્રેનની તમામ બોગીઓ થર્ડ એસીની તર્જ પર છે. પરંતુ આનું ભાડુ સામાન્ય થર્ડ એસીના મુકાબલે 40 ટકા જેટલું ઓછું છે. યાત્રીઓને ખાન-પાન અને બેડ રોલ માટે અલગથી પૈસા આપવાના હોય છે. એક બેડ રોલ માટે 25 રુપિયા આપવાના રહે છે, જેમાં એક તકિયો, એક ઓઢવાનું, અને બે ચાદર હોય છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે આનંદ વિહાર રેલવે સ્ટેશનથી પટણા જંક્શનની ગરીબ રથ ટ્રેનનું ભાડુ 900 રુપિયા છે, જ્યારે મેલ એક્સપ્રેસ ટ્રેનની એસી-3 ક્લાસનું ભાડુ 1300 રુપિયા આસપાસ છે. એટલે કે કુલ 400 રુપિયાનો ફર્ક છે. પ્રથમ ગરીબ રથ ટ્રેન સહરસા-અમૃતસર એક્સપ્રેસ હતી, જે 5 ઓક્ટોબર 2006ના રોજ બિહારના સહરસાથી પંજાબ અમૃતસર વચ્ચે ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં AC3 અને ચેરકાર હોય હતા.