નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ હવાથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણને ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30MKI લડાકુ વિમાન દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. 26 સપ્ટેમ્બર 2018ના રોજ દેશમાં જ બનેલી આ મિસાઈલ 70 કિમી દૂર દુશ્મનને મારવામાં સક્ષમ છે. આ મિસાઈલના પરીક્ષણ માટે પશ્ચિમ બંગાળના એક વિમાનમથકેથી સુખોઈ વિમાને ઉડ્ડયન ભર્યું હતું.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અસ્ત્ર મિસાઈલ’નું સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્માણ કરાયું છે. આ મિસાઈલ 5,555 કિમી પ્રતિ કલાકની ઝડપે 70 કિમીની રેન્જમાં કોઈ પણ દુશ્મન મિસાઈલ કે વિમાનને નિશાન બનાવવા માટે સક્ષમ છે. આ મિસાઈલ એક્ટિવ રડાર ટર્મિલન ગાઈડન્સથી સજ્જ છે અને તેનો કોઈ પણ ઋતુમાં એટલે કે કોઈ પણ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે.
સુપરસોનિક ગતિએ હવામાં ઉડી રહેલા કોઈ પણ લક્ષ્યને આ મિસાઈલ ભેદી શકે છે. 154 કિગ્રામ વજન ધરાવતી અસ્ત્ર મિસાઈલ 3.57 કિમી લાંબી અને 178 મિમીનો વ્યાસ ધરાવે છે. અસ્ત્ર મિસાઈલ મહત્તમ 110 કિમી સુધી પ્રહાર કરી શકે છે અને ડીઆરડીઓ 300 કિમીની રેન્જ ધરાવતી અસ્ત્ર મિસાઈલનું નિર્માણ કરવાનું આયોજન ધરાવે છે.
DRDO દ્વારા નિર્મિત આ અસ્ત્ર મિસાઈલને મિરાજ-2000એચ, મીગ-29, મિગ-29K, મિગ-21 બાયસન, એલસીએ તેજસ અને સુખોઈ Su-30 MKI વિમાનમાં ફીટ કરીને ઉપયોગમાં લઈ શકાય છે.