અહેમદ પટેલ સાથે શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીની ઉમેદવારી પણ ચર્ચામાં
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં ગુજરાત કૉંગ્રેસ હજી દસ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી શકી નથી. એ સ્થિતિમાં હાઈ પ્રોફાઈલ રાજકારણી અને પક્ષના ખજાનચી એવા દિગ્ગજ કૉંગ્રેસી નેતા અહેમદ પટેલને ભરૂચ લોકસભામાંથી લડાવવાની વાતથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ઉત્તેજના છવાઈ ગઈ છે. જો અહેમદ પટેલ ભરૂચથી લડે તો ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું ચિત્ર બદલાઈ શકે છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કૉંગ્રેસની નેતાગીરીએ હાઈકમાન્ડ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે કે અહેમદભાઈ ચૂંટણી લડે એવી લાગણી પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની છે. એમની હાજરી ગુજરાતમાં પક્ષની સ્થિતિ વધારે મજબૂત બનાવી શકે છે.
ભરૂચ માટે કેમ અહેમદભાઈનું નામ?
ગાંધી પરિવારથી અત્યંત નજીક ગણાતા અહેમદ પટેલનું સ્થાન કૉંગ્રેસની કૉર કમિટીમાં છે. જુલાઈ 2017માં અત્યંત હાઈવોલ્ટેજ બનેલી રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને એ છઠ્ઠી વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. અગાઉ 1977, 1980 અને 1984માં ભરૂચ લોકસભા પરથી જીતી ચૂકેલા અહેમદભાઈ ફક્ત 26 વર્ષની વયે લોકસભામાં પ્રવેશ્યા એ પછી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીથી નિકટ આવ્યા. ત્યારબાદ એ સોનિયા ગાંધીના પણ રાજકીય સચિવ રહી ચૂક્યા છે. રાહુલ ગાંધીની કૉંગ્રેસમાં અહેમદભાઈ પક્ષના ખજાનચીની ભૂમિકામાં છે.
રસપ્રદ વાત એ છે કે ભરૂચ લોકસભા બેઠક માટે કૉંગ્રેસ અને આદિવાસી નેતા છોટુ વસાવાની ‘ભારતીય ટ્રાયબલ પાર્ટી’ વચ્ચે ગઠબંધન થવાની વાતો પણ કેટલાક દિવસથી ચાલે છે. કહે છે કે છોટુ વસાવા પોતે આ બેઠક પરથી લડવા માગે છે. છોટુભાઈએ ભરૂચ સહિત છ બેઠક પર પોતાના ઉમેદવાર રાખવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ, કૉંગ્રેસ એમને ભરૂચ બેઠક પરથી કૉંગ્રેસના જ ઉમેદવાર તરીકે લડાવવા માગતી હતી. છોટુભાઈને આ સ્વીકાર્ય નહોતું. અલબત્ત, હવે જો અહેમદ પટેલ અહીંથી લડે તો છોટુભાઈ એમને સમર્થન આપીને પોતાનું નામ પાછું ખેંચી શકે છે. આ લખાય છે ત્યારે હજી છોટુભાઈએ પોતાનું ફોર્મ ભર્યું નથી. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં આ જ છોટુભાઈ વસાવાના મતથી અહેમદ પટેલનો વિજય શક્ય બન્યો હતો અને એટલે જ અહેમદભાઈ લડે તો છોટુભાઈ એમને સમર્થન આપશે એવું મનાય છે.
શક્તિસિંહ ભાવનગર અને પરેશ ધાનાણી અમરેલીમાં?
સાથેસાથે કાર્યકર્તાઓએ બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ ભાવનગરથી લડે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીથી લડે એવી માગણી કરી છે. ભાવનગરમાં પક્ષ મજબુત ઉમેદવારની તલાશમાં છે. જ્યારે અમરેલીમાં જિલ્લાના ધારાસભ્યો વચ્ચે ચાલતી ટિકિટ માટેની લડાઈને ટાળવા અને પાટિદાર મતોને જાળવી રાખવા પરેશભાઈનું નામ ચર્ચામાં આવ્યું છે.
પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી ‘ચિત્રલેખા.કૉમ’ને કહે છેઃ અહેમદભાઈ અને શક્તિસિંહજી વરસોથી ગુજરાત કૉંગ્રેસના માર્ગદર્શક રહ્યા છે. પરેશભાઈ પણ અત્યારે પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આ વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડે તો સંગઠનને બળ મળે એવી કાર્યકર્તાઓની લાગણી છે, પણ અંતિમ નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ લેશે.
બધાની નજર આવતીકાલે નવી દિલ્હીમાં મળી રહેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પર છે, જેમાં ગુજરાતની બાકી રહેલી 10 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.