નવી દિલ્હી– અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ મામલે ઈડીએ દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટમાં જણાવ્યું કે, તેમણે 3600 કરોડ રૂપિયાના અગસ્ટા વેસ્ટલેન્ટ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે મધ્યપ્રદેશ સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરીને સમન્સ પાઠવ્યું છે.
એજન્સીએ સ્પેશિયલ જજ અરવિંદ કુમારને જણાવ્યું કે, રતુલ પુરીને એટલા માટે બોલાવ્યો છે કે, જેથી આ મામલે તેમનો સામનો આરોપી સુશેન મોહન ગુપ્તા સાથે કરાવી શકાય. તમને જણાવી દઈએ કે, ગુપ્તાની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વીવીઆઈપી હેલિકોપ્ટર મામલે આરોપી સંરક્ષણ એજન્ટ સુશેન મોહન ગુપ્તાની કસ્ટડી વધુ ત્રણ દિવસ માટે વધારી દીધી છે.
ઈડીના વકીલ ડીપી સિંહે કોર્ટને એમ પણ કહ્યું કે, હાલ રતુલ પુરી આ મામલે માત્ર સંદિગ્ધ છે. તેમનું નિવેદન લીધા બાદ ગુપ્તા સાથે તેમનો આમનો સામનો કરાવવામાં આવશે.
રતુલ પુરીની કંપની તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તે ઈડીની તપાસમા સંપૂર્ણ રીતે સહયોગ આપી રહ્યાં છે. અને જરૂર પડયે કોઈ પણ પ્રકારની જાણકારી આપશે. પુરી હિન્દુસ્તાન પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના અધ્યક્ષ છે. પુરીની માતા નીતા મુખ્યપ્રધાન કમલનાથની બહેન છે.