મિસાઈલોથી સજ્જ 6 સબમરીન બનાવવાનો નેવીનો પ્રસ્તાવ, 50,000 કરોડનો…

નવી દિલ્હી- ભારતીય નૌકાદળે તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 75 હેઠળ 6 સબમરીન મેળવવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. જેનો ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા છે. જેટલા પણ વિદેશી વિક્રેતાઓએ આ મોટો ઓર્ડર મેળવવામાં રસ દાખવ્યો છે, તેના માટે નૌકાદળે ટેન્ડરની પ્રક્રિયા શરુ કરી છે.

ભારતીય નૌકાદળ પ્રોજેક્ટ 75 અંતર્ગત 6 ડીઝલ ઈલેક્ટ્રીક સબમરીનનું નિર્માણ કરવા ઈચ્છે છે. જે હાલમાં મુંબઈની મઝગાંવ ડોકયાર્ડસ લિમિટેડમાં બની રહેલ સ્કોર્પિન સબમરીન કરતાં 50 ટકા મોટી હશે. નૌકાદળનો પ્રસ્તાવ છે કે, આ સબમરીન 500 કિમી રેન્જ ધરાવતી મિસાઈલોથી સજ્જ હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જે પણ વિદેશી વિક્રેતા આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છે છે, તેમના માટે પ્રાથમિક ડ્રાફ્ટ જાહેર કરી દીધો છે. આ પ્રક્રિયાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પોલિસી અંતર્ગત ભારતીય પાર્ટનર્સના સૂચનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી આ સબમરીનના નિર્માણમાં તેમના સૂચનો પણ સામેલ થઈ શકે.

ભારતીય નૌકાદળની યોજના છે કે, આ સબમરીન પર જમીન સ્તર પર હુમલો કરનારી 12 ક્રુઝ મિસાઈલોની સાથે સાથે એન્ટી શિપ ક્રુઝ મિસાઈલો પણ હશે. સૂત્રોએ જણાવ્યું કે, નેવીએ સ્પષ્ટતા કરી છે કે, આ સબમરીન 18 મોટી ટાર્પેડોને લોડ અને લોન્ચ કરવામાં સક્ષણ હોવી જોઈએ.

સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે આ પ્રોજેક્ટના ઈન્ચાર્જ નેવી અધિકારીને બનાવ્યા છે. ભારતીય નૌકાદળ પાસે 100થી વધુ સબમરીન અને યુદ્ધ કરવામાં સક્ષમ જહાજો છે. જ્યારે પાકિસ્તાન પાસે આ સંખ્યા માત્ર 20 જેટલી છે. જોકે, ભારતીય નેવીએ આ તૈયારી ચીની નૌકાદળનો સામનો કરવા માટે કરી છે.