નવી દિલ્હીઃ દેશમાં હજી એક દેશ એક ચૂંટણીની વાત ચાલી રહી છે ત્યારે જ આ વચ્ચે મોદી સરકારે એક દેશ એક રેશન કાર્ડ લાવવાની તૈયારી શરુ કરી દીધી છે. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું છે કે સરકાર આ દીશામાં આગળ વધી રહી છે.
પાસવાને કહ્યું કે રેશન કાર્ડોની દેશભરમાં પોર્ટિબલિટીની સુવિધા શરુ કરવામાં આવશે જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે તમામ લાભાર્થિઓ ખાસકરીને પ્રવાસી લોકોને દેશમાં ગમે ત્યાં સાર્વજનિક વિતરણ પ્રણાવી રેશન મળી શકે.
કેન્દ્રીય પ્રધાન પાસવાને ગુરુવારના રોજ રાજ્યોના ખાદ્ય સચિવો અને સરકારી અધિકારીઓની એક બેઠકને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે પીડીએસના ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ અંતર્ગત રેશન કાર્ડોની એક સેન્ટ્રલ રિપોઝિટરી બનાવવામાં આવશે, જેથી ડબલિંગથી બચી શકાય.
કેવી રીતે કામ કરશે નવી વ્યવસ્થા…
આ નવી વ્યવસ્થાના કારણે તમે દેશભરમાં એક જ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો. આના કારણે ખોટા રેશન કાર્ડ બનાવનારા લોકો પર પણ ગાળીયો કસી શકાશે. હકીકતમાં સરકારની તૈયારી છે કે આધાર કાર્ડની તર્જ પર દરેક રેશન કાર્ડને એક વિશિષ્ઠ ઓળખ નંબર આપવામાં આવશે. આનાથી ખોટા રેશન કાર્ડ બનાવવા મુશ્કેલ થઈ જશે.
આ સાથે જ સરકાર એવી વ્યવસ્થા કરશે, જેમાં એક ઓનલાઈન ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિસ્ટમમાં રેશન કાર્ડનો ડેટા સ્ટોર થશે.
આ બની ગયા બાદ જો દેશમાં ક્યાંય પણ કોઈ ખોટુ રેશન કાર્ડ બનાવવાની કોશીષ કરશે, તો આ સિસ્ટમ દ્વારા ખ્યાલ આવી જશે. ત્યારબાદ જો કોઈ નવું રેશનકાર્ડ બનાવવા જશે, તો તે આવું નહી કરી શકે.
આ ઓનલાઈન સિસ્ટમનો એક મોટો ફાયદો એ પણ થશે કે કોઈપણ લાભાર્થી દેશના કોઈપણ ખુણામાં અને કોઈપણ અનાજની દુકાન પરથી રેશનની દુકાન પર સબસિડી વાળુ અનાજ લઈ શકશે. એકવાર આ ઓનલાઈન નેટવર્ક તૈયાર થઈ ગયું, તો અન્ય રાજ્યોમાં નોકરી કરવા માટે ગયેલા લોકોને પણ ગમે તે રેશનની દુકાન પરથી રેશન લેવાની સુવિધા મળી શકશે. આનાથી ખૂબ મોટા સ્તર પર લોકોને ફાયદો થશે.