નવી દિલ્હી-દેશમાં કથળતાં જતાં શિક્ષણના સ્તરને લઈને વર્ષોથી દલીલો ચાલી રહી છે. સરકારો દ્વારા શિક્ષણને લઈને કેટલાય દાવાઓ પણ કરવામાં આવે છે. ત્યારે આ મુદ્દાને લઈને એક ચોકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. વાર્ષિક સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટનું માનીએ તો, આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા અડધાંથી વધુ વિદ્યાર્થીઓ ગુણાકાર કે ભાગાકાર નથી કરી શકતાં, જ્યારે પાંચમાં ધોરણના અડધાંથી વધુ બાળકો બીજા ધોરણના પાઠ નથી કરી શકતા. આ રીપોર્ટ દેશના અલગઅલગ રાજ્યોના વિદ્યાર્થીઓને લઈને તૈયાર કરવામાં આવ્યો છે. તેમ છતાં શિક્ષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે.
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતા ચારમાંથી એક બાળક ધોરણ 8 પછી અભ્યાસ છોડી દે છે. અભ્યાસ છોડનારા બાળકો પાસ તો ઠિક છે પણ તે યોગ્ય વાંચન પણ નથી કરી શકતા. તો બીજી તરફ ધોરણ આઠ સુધી અભ્યાસ કરનારા બાળકોમાંથી 55.9 ટકા બાળકોને સંખ્યત્મક જ્ઞાન નથી હોતુ. આ સાથે જ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 15થી 16 વર્ષના 13.1 ટકા બાળકો શાળા એ જ નથી જતા. એએસઈઆરનો આ 13મો વાર્ષિક રીપોર્ટ છે. એક એનજીઓ દ્વારા આ રીપોર્ટને જાહેર કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ ત્રણમાં અભ્યાસ કરનારા એક તૃતીયાંશ બાળકો જ ગ્રેડ લેવલ પર છે. આ ક્લાસના 27.2 ટકા બાળકો જ બીજા ધોરણના પુસ્તકો યોગ્ય રીતે વાંચી શકે છે. જ્યારે 28.1 ટકા બાળકો જ ગુણાકાર ભાગાકાર કરી શકે છે.
દેશના 596 જિલ્લાઓના 17,730 ગામડાઓના 5,46,527 વિદ્યાર્થીઓ વચ્ચે કરવામાં આવેલા આ સર્વેના આધારે આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આજે પણ ધોરણ 8ના 56 ટકા વિદ્યાર્થીઓ બે સંખ્યાનો ભાગાકાર નથી કરી શકતા. ધોરણ પાંચના 50.3 ટકા વિદ્યાર્થીઓ જ બીજા ધોરણ માટે તૈયાર કરેલા પાઠને યોગ્ય રીતે વાંચી શકે છે.