હવે 24મા સપ્તાહે પણ ગર્ભપાત થઇ શકશેઃ કેબિનેટમાં મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં ગર્ભપાતની મર્યાદા 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવાની જોગવાઈ છે એટલે કે કોઈ મહિલાને 6 મહિનાની પ્રેગ્નેન્સી હશે તો પણ ગર્ભપાત કરાવી શકશે.

ગર્ભપાત કરાવવા માટે બે ડોક્ટરોની મંજૂરી લેવાની રહેશે. જેમાંથી એક ડોક્ટર સરકારી હશે જો ગર્ભમાં કોઈ વિકૃતિ હોય તો તેના માટે મેડિકલ બોર્ડની જોગવાઈ છે. સરકારના આ નિર્ણયથી બળાત્કાર પીડિતાઓ અને સગીરાઓને મદદ મળશે.

કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, 20 સપ્તાહમાં ગર્ભપાત  કરાવવા પર માતાના જીવને જોખમના અનેક મામલાઓ સામે આવ્યા છે, જેથી આ સમયમર્યાદા વધારીને 24 સપ્તાહ કરી દેવામાં આવ્યા છે. 24 સપ્તાહે ગર્ભપાત કરાવવો પેલા કરતા સુરક્ષિત રહેશે.

સરકાર તરફથી દાખલ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત મંત્રાલય અને નીતિ આયોગનું સૂચન લીધા પછી ગર્ભપાત સંબંધીત કાયદામાં સંશોધનના મુદ્દાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારપછી તેને કાયદા મંત્રાલય પાસે મોકલવામાં આવે. જેથી ગર્ભપાત સંબંધીત કાયદા પર જરૂરી સંશોધન થઈ શકે.