નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી પર છ કરોડ રુપિયામાં લોકસભા ટિકીટ વેચવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ લગાવવાવાળુ અન્ય કોઈ નહીં પરંતુ દિલ્હીથી લોકસભા સીટના આપના ઉમેદવાર બલબીરસિંહ જાખડના દીકરા ઉદય જાખડ છે. તેમણે છ કરોડ રુપિયામાં પિતા દ્વારા ટિકીટ ખરીદવાની વાતને લઈને દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવી દિધો છે અને વિરોધીઓના હાથમાં પ્રહાર કરવાનું વધુ એક હથિયાર પણ આપી દીધું છે. ઉદયે કહ્યું કે પિતાએ ટિકીટ માટે સીધા જ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને 6 કરોડ રુપિયા આપ્યાં છે. આ મામલે તેમની પાસે પર્યાપ્ત સબૂત છે.
એક વીડિયોમાં બલબીર સિંહ જાખડના દીકરાએ કહ્યું કે, મારા પિતાએ મને અભ્યાસ માટે પૈસા ન આપ્યાં અને સીધા જ કેજરીવાલને પોતાના રાજનૈતિક ફાયદા માટે છ કરોડ રુપિયા આપી દીધાં. મે તેમની પાસેથી પોતાના અભ્યાસ માટે પૈસા માગ્યાં તો, તેમણે મને ના પાડી દીધી. ટિકીટ માટે પિતાએ માત્ર 3 મહિના પહેલાં જ આપની સદસ્યતા લીધી હતી. તો બલબીરસિંહ જાખડે પોતાના દીકરાના આ આરોપોને ખોટા ગણાવી દીધાં છે અને કહ્યું કે તેમની છબીને ખરાબ કરવાનો આ પ્રયત્ન છે. તેમની પોતાના દીકરા સાથે તાજેતરમાં કોઈ મુલાકાત થઈ નથી.
પશ્ચિમ દિલ્હીથી આપના ઉમેદવાર બલવીરસિંહ જાખડ વિરુદ્ધ ભાજપના પ્રવેશ વર્મા અને કોંગ્રેસમાંથી મહાબલ મિશ્રા ચૂંટણી લડી રહ્યાં છે. પશ્ચિમ દિલ્હીથી આપના ઉમેદવારના દીકરા દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના સનસનીખેજ દાવાથી 12 મેના રોજ યોજાનારા છઠ્ઠા ચરણના મતદાનમાં દિલ્હીની સાત સીટો પર મતદાન થવાનું છે, ત્યારે આ મતદાનમાં આપને નુકસાન થઈ શકે છે. રવિવારના રોજ પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, ચાંદની ચોક અને ઉત્તર પશ્ચિમ દિલ્હીની સીટ પર મતદાન થશે.