વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યુરીએ હશ મની કેસમાં 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2016થી 2020 સુધી મેરિકાના રાષ્ટ્રપતિ હતા. ફીથી રાષ્ટ્રપતિ બનવા માટે તેમણે 2020માં ચૂંટણી લડી હતી, પણ તેઓ જો બાઇડનથી મુકાબલો હારી ગયા હતા. આ વખતે ત્રીજી વાર તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મેદાનમાં છે. જોકે દોષી ઠેરવાયા છતાં અમેરિકી કાયદા મુજબ ટ્રમ્પને ચૂંટણી લડતા નહીં રોકી શકાય.
અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આ બન્યું છે, જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ગુનાઈત કેસ ચલાવવામાં આવ્યો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા મોઢું બંધ રાખવાના બદલામાં પૈસાની ચૂકવણી કરાયાની વાત છુપાવવા અને ટ્રમ્પના પોતાના વ્યવસાયના રેકોર્ડમાં હેરફેર કરવાના કુલ 34 આરોપ હતા. ટ્રમ્પે કુલ 1.30 લાખ ડોલર ડેનિયલ્સને આપ્યા હતા. એ પેમેન્ટ 2016ની ચૂંટણીથી પહેલાં આપ્યા હતા. આ તમામ આરોપોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
જોકે ટ્રમ્પે દસ્તાવેજો સાથે છેડછાડના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સેક્સ માણવાનો પણ ઇનકાર કર્યો છે. હવે જસ્ટિસ જુઆન માર્ચેન 11 જુલાઈએ તેમની સજાની જાહેરાત કરશે. ટ્રમ્પ વિરુદ્ધનો ચુકાદો એવા સમયે સંભળાવવામાં આવશે, જ્યારે રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
શું છે મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 1,30,000 અમેરિકન ડોલરની ચૂકવણીની વાત છુપાવવા માટે બિઝનેસ રેકોર્ડ્સ હેરફેર કરી હતી જેના માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.