નવી દિલ્હી: મણિપુરના લિસી પ્રિયા કંગુજુમે પીએમ મોદી પાસે દેશમાં હવામાન પલટા કાયદો લાગુ કરવા અને સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં પસાર કરવાની માગ કરી છે. 8 વર્ષીય લિસી પ્રિયાએ 6 ડિસેમ્બરે એક ટ્વીટમાં લખ્યું હતું કે, કૃપા કરીને અમારું ભવિષ્ય બચાવી દો. હું મારી પ્રેરણા ગ્રેટા થુનબર્ગ સાથે છું જેથી હું તમારા અને વિશ્વના અન્ય નેતાઓ પર થોડું દબાણ લાવી શકું. તમે અમને ઓછા ન આંકી શકો. કૃપા કરીને ચાલુ શિયાળાના સત્રમાં સંસદમાં હવામાન પલટા અધિનિયમ પસાર કરો.
લિસી પ્રિયા કંગુજુમ આ અભિયાનને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. તેમણે ઘણી જાગૃતિ ઝૂંબેશ, રેલીઓ અને કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને મદદ કરી છે. તાજેતરમાં લિસીએ સ્પેનના મેડ્રિડમાં હવામાન પરિવર્તન અંગેની એક કાર્યક્રમમાં સ્વીડિશ હવામાન પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થુનબર્ગ સાથે હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે જૂનમાં સંસદ સંકુલની પાસે ઉભા રહેલા લિસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હવામાન પલટા માટે કડક પગલાં ભરવા કહ્યું હતું. ત્યારબાદ લિસીએ એએનઆઈ સાથે વાત કરી અને કહ્યું, હું તેઓને અને તમામ સાંસદોને વિનંતી કરું છું કે હવે હવામાન પરિવર્તન પર પગલાં લેવામાં આવે અને આપણું ભવિષ્ય બચાવવામાં આવે. સમુદ્રનું સ્તર વધી રહ્યું છે અને પૃથ્વી વધુ ગરમ થઈ રહી છે. તેઓએ હવે આના પર કડક પગલાં ભરવા જોઈએ
લિસીએ ઘણા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર હવામાન પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે વિશ્વ નેતાઓને પણ હવામાન પરિવર્તનના મુદ્દે પગલાં લેવા અને કુદરતી આપત્તિઓને ઘટાડવા તાકીદ કરી હતી. તેણીને તેના કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે અને તેને વર્લ્ડ ચાઇલ્ડ પીસ પ્રાઇઝ 2019 એનાયત કરવામાં આવ્યો છે.
લિસી પ્રિયા કંગુજુમ “ધ ચાઇલ્ડ મૂવમેન્ટ” ની સ્થાપક પણ છે. બાળકો દ્વારા વૈશ્વિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવવો તે સ્વૈચ્છિક ચળવળ છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની હવામાન ક્રિયા સમિટ 2019 માં પણ હવામાન પરિવર્તન અંગે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે અહીં પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે “ભારત સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દે વ્યવહારિક અભિગમ અને રોડમેપ રજૂ કરવા માટે આવ્યો છે”. તેમણે કહ્યું, લોભ નહીં પરંતુ જરૂરિયાત એ આપણો માર્ગદર્શક સિદ્ધાંત છે. આજે ભારતનો મતલબ આ મુદ્દાની ગંભીરતા વિશે વાત કરવાનો નથી પરંતુ વ્યવહારિક અભિગમ અને માર્ગદર્શિકા રજૂ કરવાનો છે. અમારું માનવું છે કે તેને શીખવવા અને સમજાવવા કરતાં તેના પર કાર્ય કરવું વધુ મહત્વપૂર્ણ છે.