નવી દિલ્હીઃ દેશમાં મોબાઇલધારકો 5Gના લોન્ચની રાહ જોઈ રહ્યા છે અને તેમની પ્રતિક્ષા કરવાનો સમય પૂરો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં 5G સર્વિસ લોન્ચ કરશે. પ્રગતિ મેદાનમાં થનારી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ચાર ઓક્ટોબર સુધી ચાલશે. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં 5G સર્વિસની જાહેરાત પહેલા દિવસે કરવામાં આવશે.
જોકે વડા પ્રધાન મોદી 5Gમાં સર્વિસમાં કેટલી પ્રગતિ થઈ એ જણાવશે અને એ 6Gના વિઝન જણાવશે, પણ તમે જરાય અપેક્ષા નહીં કરતા કે પહેલી ઓક્ટોબરથી 5G સર્વિસનો પ્રારંભ થઈ જશે, કેમ કે ટેલિકોમ જાયન્ટ્સ જેવા રિલાયન્સ જિયો અને એરટેલે ખાતરીપૂર્વક કહ્યું છે કે 5G સર્વિસ દિવાળી પછી શરૂ થશે. દિવાળીનો તહેવાર 21 ઓક્ટોબરથી શરૂ થશે. જેથી 5Gની સર્વિસ ક્યારથી શરૂ થશે એની ચોક્કસ તારીખ બહાર નથી આવી.
રિલાયન્સ જિયોએ કહ્યું હતું કે કંપની 5Gની સર્વિસ ચાર મોટાં શહેરોમાં શરૂ કરશે, જેમાં દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ છે. એરટેલ પણ આ જ રીતે એની સર્વિસ ચાલુ કરશે. ટેલિકોમ જાયન્ટ્સે અપેક્ષા વ્યક્ત કરી હતી કે 2023ના અંત સુધીમાં દેશઆખામાં 5Gની સર્વિસ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે કંપનીઓ 5Gના પ્લાન આવતા મહિને જાહેર કરશે. જોકે કેન્દ્રીય IT પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જણાવ્યું હતું કે 5Gના પ્લાન કિફાયતી દર હશે અને લોકોએ તેના માટે વધુ કિંમત ચૂકવવી નહીં પડે.