નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશના 30 ટકાથી વધારે લાઈસન્સ ખોટા છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે આશરે 30 ટકા ફેક ડ્રાઈવિંગ લાઈસન્સને દુરુસ્ત કરવા માટે સરકાર મોટર વાહન બિલ લાવવા જઈ રહી છે. આ બિલ આવ્યા બાદ ડ્રાઈવરોને કમ્પ્યુટર ટેસ્ટ આપવો પડશે, ત્યારે જ તેમને લાઈસન્સ મળશે.
તેમણે કહ્યું કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આના માટે સરકાર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગૂ કરવાની દિશામાં કામ શરુ કરી રહી છે. તેમણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડ અને સજાની વાત કહી છે. ગડકરીએ કહ્યું કે મોટર વાહન વિધેયકને બજેટમાં પાસ કરવામાં આવ્યા બાદ ટ્રાફિક નિયમોને તોડવા પર ભારે દંડ ફટકારવામાં આવશે. મોટર વાહન વિધેયક 2016માં યાતાયાત નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડનું પ્રાવધાન છે.
આ વિધેયક અનુસાર દારુ પીધા બાદ ગાડી ચલાવવા પર 10 હજાર રુપિયા અને હિટ એન્ડ રન મામલે 2 લાખ રુપિયા સુધીનો દંડ લગાવવાનું પ્રાવધાન છે. રોડ અકસ્માતમાં મોત થવા પર 5 લાખ રુપિયા સુધીનો દંડ ફટકારવાનું પ્રાવધાન છે. નવા કાયદામાં હેલ્મેટ વગર વ્હીકલ ચલાવતા જો પકડાયા તો તેના પર 2,000 રુપિયાના દંડનું પ્રાવધાન છે.
ગડકરીએ કહ્યું કે જો દુનિયાના કોઈ વિસ્તારમાં ખુબ સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સ બનતું હોય તો તે ભારતમાં બને છે. જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ પર ફોટો જોશો તે તે મેચ નહી થાય. આ દેશમાં લોકો કાયદાથી ડર્યા વિના રોડ પર વાહન ચલાવે છે. હવે 100-50 રુપિયાના ચલણની કોઈ પરવા નથી કરતું. કેન્દ્રીય રોડ પરિવહન પ્રધાને કહ્યું કે દર વર્ષે દેશમાં 1.5 લાખથી વધારે લોકો રોડ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામે છે. તેમણે કહ્યું કે આ મારી વિફળતા છે કે છેલ્લા ચાર વર્ષથી પ્રયાસ કરવા છતા પણ હું અત્યારસુધી વિધેયક લાવવામાં નિષ્ફળ રહ્યો છું. નવો કાયદો આવ્યા બાદ લોકોના જીવ બચાવવામાં મોટી મદદ પ્રાપ્ત થશે.