કુલ્લૂ– હિમાચલપ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક મોટી દૂર્ઘટના ઘટી છે. મળતી જાણકારી મુજબ બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ વળાંક પાસે એક ખાનગી બસ 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ઘટનાને પગલે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. કુલ્લૂથી ગાડાગુશૈણી તરફ જઈ રહેલી આ બસ યાત્રીઓથી ખચાખચ ભરેલી હતી. બસમાં અંદાજે 60 મુસાફરો સવાર હતાં.
ઘટનાને પગલે પ્રશાસન અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોએ અત્યાર સુધીમાં 35 ઘાયલોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ પહોંચાડ્યાં છે. બસમાં મોટાભાગે કોલેજના વિદ્યાર્થીઓ હતાં જે બંજાર સ્કૂલ અને કોલેજમાં એડમિશન લઈને પરત ફરી રહ્યાં હતાં. અન્ય ઘાયલોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઘાયલ થયેલા લોકોમાં 12 મહિલાઓ, 6 છોકરીઓ, 7 બાળકો, અને 10 યુવકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. મળતી જાણકારી મુજબ આ તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. તમામને સારવાર માટે બંજાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે.
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું, કુલ્લૂની સ્થાનિક હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી છે. સીએમઓ કુલ્લૂ તરફથી જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર પહોંચવા માટે રવાના કરી દીધી છે.
બસ દુર્ઘટનાનો શિકાર થયેલા લોકોમાં મોટાભાગે મુખ્યપ્રધાન જયરામ ઠાકુરનો વિધાનસભા વિસ્તાર સરાજના છે. સીએમ જયરામ ઠાકુર પણ શિમલાથી ઘટનાસ્થળ પર પહોંચવા રવાના થઈ ગયાં છે.