કોરોના-લોકડાઉનથી થયો ફાયદો! દેશના 22 શહેરોની આબોહવા સુધરી

નવી દિલ્હી: કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારત સરકારે છેક 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છે. લોકડાઉનના સમયગાળામાં સામાન્ય માનવીઓથી લઈને સેલિબ્રિટી વ્યક્તિઓ, એમ બધા જ ઘરમાં પૂરાઈ ગયા છે. ધંધાકીય પ્રવૃત્તિઓ ઠપ થવાને કારણે અર્થવ્યવસ્થાને માઠી અસર પડી છે. પણ આ લોકડાઉનથી પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થયો છે. લોકડાઉન દરમિયાન ઘણા શહેરોમાં શિમલા કુલુ જેવા હિલસ્ટેશનો પર હોય તેવી શુદ્ધ હવાનો અનુભવ થયો. લોકોએ અનુભવ્યું કે ખરેખર આપણે બારેમાસ પર્યાવરણનું આટલું જ જતન કરીએ તો આપણે સારુ જીવન જીવવા મળી શકે. જોકે, હવે લોકોને ચિંતા છે કે, પર્યાવરણમાં આવેલો આ સુધારો એ કાયમ માટે કેવી રીતે જાળવી રાખવો…

લોકડાઉનને પગલે બધુ બંધ રહેતા પ્રદૂષણમાં મોટાપાયે ઘટાડો થવાની સાથે નદીઓ સ્વચ્છ થઈ ગઈ, કચરામાં ઘટાડો થયો એટલે સ્વચ્છ આકાશ દેખાયું, પક્ષીઓનો કલરવ સંભળાયો, ઝેરી વાયુઓમાં ઘટાડો નોંધાયો, કેટલીયે બીમારીઓમાં રાહત મળી… એટલે તો લોડકડાઉનમાં લોકોનું બિમાર પડવાનું પ્રમાણ ઘટી ગયું.

લૉકડાઉન દરમિયાન જ દેશનાં 115માંથી લગભગ 92 શહેરોમાં હવા સારા સ્તર પર રહી. જ્યારે લૉકડાઉન પહેલાં માત્ર 50 શહેરોની હવા જ આ ક્વોલિટીની હતી. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ (CPCB)એ 16 માર્ચથી 15 એપ્રિલ, 2020ના આંકડાને આધારે આ વાત કરી છે. લૉકડાઉનના પહેલા મહિનામાં 22 ઉત્તર ભારતીય શહેરોની એર ક્વોલિટી સુધરી છે. કેટલીયે જગ્યાઓએ તો તેમાં 44 ટકા જેટલો સુધારો જોવા મળ્યો. આ મુદ્દે દિલ્હીની હવામાં શુદ્ધતાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું. જો હવાની શુદ્ધતા આ જ સ્તરની જળવાઈ રહે તો દેશમાં 6 લાખ 50 હજાર લોકોના જીવ બચાવી શકાય છે. આટલા લોકો આપણા દેશમાં દર વર્ષે પ્રદૂષણને કારણે જીવ ગુમાવે છે.

જર્મનીની માર્ટિન લ્યૂથર કિંગ યુનિવર્સિટીના પ્રોફેસર યગોન અગેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીના જે 66 વિસ્તારોમાં કોરોનાને લીધે સૌથી વધુ મૃત્યુ થયાં છે, ત્યાં એર પોલ્યૂશનનું પ્રમાણ પણ સૌથી વધુ હતું

આ જ રીતે નાસાની સેટેલાઈટ ઈમેજિસ પરથી માહિતી મળી છે કે લૉકડાઉન દરમિયાન હવામાં ઘાતક એરોસોલનું પ્રમાણ પાછલાં 20 વર્ષમાં સૌથી ઓછું જોવા મળ્યું. એરોસોલ ફેફસાં અને હૃદયરોગનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત વાહનવ્યવહાર થંભી ગયો અને ઈન્ડસ્ટ્રી તથા આર્થિક પ્રવૃત્તિઓ અટકવાને કારણે હવામાં પ્રદૂષણ માટે જવાબદાર પર્ટિક્યુલેટ મેટર (PM)નું સ્તર ઓછું થયું અને હવામાં ઘાતક SO2 (સલ્ફર ડાયોક્સાઈડ) તથા NO2 (નાઈટ્રોજન ડાયોક્સાઈડ) જેવા ઝેરી વાયુઓનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઓછું થઈ ગયું હતું.

ઈન્ડસ્ટ્રીઓમાંથી નીકળતો વેસ્ટ પાણીમાં ભળ્યો નહીં અને નદીઓમાં પાણીની શુદ્ધતા તેના સૌથી સારામાં સારા સ્તર પર પહોંચી ગઈ. વાહનોને કારણે પેદા થતું નોઈઝ પોલ્યૂશન પણ અટકી ગયું. તેને લીધે થતાં કેટલાય મેન્ટલ પ્રોબ્લેમ્સમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો.

આ સર્વેમાં એ પણ સામે આવી છે કે લૉકડાઉનથી લોકોનો પર્યાવરણ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. લોકોનો એકમત બન્યો છે કે પર્યાવરણ પર જરૂરથી વધુ દબાણ ન નાંખવું જોઈએ. કારને છોડીને સાઈકલ જેવી રીતો અપનાવવાની જરૂર છે. આવા નાના-નાના પગલાંથી પણ આપણે પણ આપણાં પર્યાવરણની સંભાળ રાખી શકીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]