UPમાં ભારે વરસાદથી 19નાં મોતઃ 31 જિલ્લામાં એલર્ટ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનો કહેર છે. સતત થઈ રહેલા વરસાદને લીધે અત્યાર સુધી 19 લોકોનાં મોત થયાં છે, જેમાં ચાર મોત હરદોઈમાં, ત્રણ બારાબંકીમાં, પ્રત્પગંજ અને કન્નોજમાં બે-બે, અમેઠી, દેવરિયા, જાલૌન, કાનપુર, ઉન્નાવ, સંભલ, રામપુર અને મુઝફ્ફરનગર જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. IMDએ જણાવ્યું હતું કે UPના 31 જિલ્લામાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વરસાદની સાથે-સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ બની છે. ઘર ધરાશાયી થવાથી જાન-માલનું નુકસાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને પણ નુકસાન થયું છે. રવિવાર રાતથી સોમવારે મોટી રાત સુધીમાં 19 લોકોનાં મોત થયાં છે.

રાજ્યના કેટલાય જિલ્લાઓમાં સ્કૂલ, કોલેજો બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31.8 મિમી સરેરાશ વરસાદ પડયો છે. રાજ્યના 25 જિલ્લાઓમાં 168 ગામો પૂરથી અસરગ્રસ્ત થયાં છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્ચ અને રેસ્ક્યુ માટે NDRF, SDRF અને PACની કુલ ચાર ટીમો કામ કરી રહી છે.

રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને રાહત કાર્ય પૂર્ણ તત્પરતાથી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને વિસ્તારની મુલાકાત લઈને રાહત કાર્ય પર નજર રાખવા કહ્યું છે. તથા આપત્તિથી અસરગ્રસ્ત લોકોને અનુમતિપાત્ર રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરવું અને પાણી ભરાઈ જવાના કિસ્સામાં ડ્રેનેજની અસરકારક વ્યવસ્થા કરવા કરવા જણાવ્યું છે. અધિકારીઓને નદીઓના જળ સ્તરનું સતત નિરીક્ષણ કરવા કહ્યું છે.

16 સપ્ટેમ્બર સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર સહિત તરાઈ બેલ્ટ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ગાજ-વીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે. સુલતાનપુર, રાયબરેલી, અમેઠી, અયોધ્યા અને અંબેડકરનગરમાં મંગળવારે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ યુપીના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે.