શ્રીનગર – લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્યપૂર્વ વિસ્તારોના અમુક દેશોનાં 16 રાજદૂતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની મુલાકાત માટે આજે અહીં આવી પહોંચ્યાં છે. તેઓ અહીં બે દિવસ રહેશે અને પ્રદેશમાંની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવશે.
આ રાજદૂતો નાગરિક સમાજનાં આગેવાનોને પણ મળવાના છે.
આજના પ્રતિનિધિમંડળમાં બ્રાઝિલ, ઉઝબેકિસ્તાન, નાઈઝર, નાઈજિરીયા, મોરોક્કો, ગયાના, આર્જેન્ટિના, ફિલિપીન્સ, નોર્વે, માલદીવ, ફિજી, ટોન્ગો, પેરુ તેમજ બાંગ્લાદેશના રાજદૂતોનો પણ સમાવેશ થાય છે.
2019ના ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે યુરોપીયન સંસદના 23 સભ્યોને કશ્મીરની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી. એ નેતાઓ સ્થાનિક લોકોને મળ્યા હતા અને પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
યુરોપીયન યુનિયનના દેશોના રાજદૂતો આજની મુલાકાતમાં જોડાયા નથી. એમણે કહ્યું છે કે તેઓ કોઈ અન્ય તારીખે જમ્મુ-કશ્મીર જશે. એ લોકો જમ્મુ-કશ્મીરના 3 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીને મળવા માગે છે, જેમને સરકારે નજરકેદમાં રાખ્યા છે.
બંધારણની 370મી કલમને રદ કરાયા બાદ કશ્મીર ખીણપ્રદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિની જાતતપાસ કરવા માટે ત્યાં જવા દેવા માટે અનેક દેશોનાં રાજદૂતોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.