મોંઘવારી દર 14 મહિનાની ઊંચી સપાટીએઃ RBIની લક્ષ્મણરેખા પાર કરી

નવી દિલ્હીઃ મોંઘવારીને મોરચે આમ આદમીને ઓક્ટોબરમાં મોટો આંચકો લાગ્યો છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો થવાને કારણે રિટેલ ઇન્ફ્લેશન ઓક્ટોબરમાં વધીને 6.21 ટકાએ પહોંચ્યો છે, જે સપ્ટેમ્બરમાં 5.49 ટકાએ હતો. રિટેલ ફુગાવાનો દર 14 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ખાદ્ય ચીજોના ઊંચા ભાવોએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. દેશમાં શાકભાજીના ભાવોમાં 80 ટકા ઉછાળાને કારણે ફુગાવો ઓક્ટોબરમાં વધી 42.18 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 36 ટકા હતો. અનાજમાં રિટેલ ફુગાવો 6.94 ટકા નોંધાયો છે.

તહેવારો તેમ જ આયાત ડ્યૂટીમાં વધારો તદુપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડતાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક એડિબલ ઓઈલ બજારમાં તેલના ભાવ 20થી 40 ટકા સુધી વધ્યા છે. પરિણામે મોંઘવારી વધી છે. ખાદ્ય તેલો પર રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 2.47 ટકા સામે અનેક ગણો વધી 9.51 ટકા થયો છે.

રિઝર્વ બેન્કે રિટેલ મોંઘવારી દરનો લક્ષ્યાંક ચારથી છ ટકા રાખ્યો છે. રિટેલ મોંઘવારી દરે RBIએ નક્કી કરેલા લક્ષ્યાંકને પાર કરી લીધો છે. જેથી મધ્યસ્થ બેન્ક આગામી સમયમાં ઊંચા ફુગાવાના દરને લીધે વ્યાજદરોમાં કાપ કરે એવી શક્યતા નહીંવત્ છે.

સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર તહેવારોની સીઝન અને ઊંચી માગના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. પરિણામે સપ્ટેમ્બર, 2024માં ઔદ્યોગિક ઉત્પાદનો (ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન-IIP) 3 ટકા વધ્યો છે. જે ઓગસ્ટમાં 0.1 ટકા ઘટ્યો હતો. ગત વર્ષે  સપ્ટેમ્બર, 2023માં IIP 6.4 ટકા વધ્યો હતો.