National Doctor Day: શા માટે આ દિવસ ડોક્ટર્સને સમર્પિત છે?

મુંબઈ: ચિકિત્સાને નોબેલ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે અને દાક્તરોને સમાજમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ડૉક્ટરોને આપણા સમાજના સુપરહીરો પણ કહેવામાં આવે છે, કોરોના રોગચાળાથી લઈને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંકટમાં ડોક્ટરો સમાજ માટે ઢાલ બનીને ઉભા રહ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૌથી મુશ્કેલ રોગોમાં રક્ષક બનેલા ડોકટરો કેટલા સ્વસ્થ હોય છે?

આ પ્રશ્ન જરૂરી છે કારણ કે સામાન્ય રીતે આપણે આપણી સમસ્યાઓથી આગળ કશું જોતા નથી. પરંતુ આ બધાની વચ્ચે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે જો ડોકટરો પોતે સ્વસ્થ નથી તો તેઓ કયા સંજોગોમાં આપણી સારવાર કરી રહ્યા છે?

સ્વસ્થ સમાજમાં યોગદાન આપવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવનાર ડોકટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા માટે તેમનું સન્માન કરવા દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ 2024 ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર એ જાણવું જરૂરી છે કે આપણા ડૉક્ટરો કેવા સંજોગોમાં આપણી સારવાર કરી રહ્યા છે?

ડોકટરો પ્રત્યે સંવેદનશીલ બનો

અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે એક ડૉકટર કહે છે કે, લોકોને ડૉક્ટરો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાણ કરવી, તેમના અથાક પ્રયત્નોની પ્રશંસા કરવી અને વધુ સારા સંસાધનો અને કામ કરવાની અનુકૂળ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં અદભૂત સ્વપ્નદ્રષ્ટા નેતાઓ છે જેમના અગ્રણી પ્રયાસોએ દેશભરમાં દવાની પ્રેક્ટિસ, તેની પહોંચ અને સંભાળને આગળ વધારી છે.

જો કે, આ બધાની વચ્ચે, ડોકટરો સાથે મારપીટ અને ગેરવર્તણૂકની વારંવારની ઘટનાઓને રોકવાની, તેમના અંગત જીવનમાં જગ્યા આપવાની અને ડોકટરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે.

ડોકટરો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે

વર્ષ 2023માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હુમલા અને અપરાધિક મામલાઓના ડર, ઊંઘની અછત, તણાવ, સામાજિક વાતાવરણ, રૂઢિચુસ્તતાના લીધે દેશમાં ડોક્ટરોનો મોટો વર્ગ માનસિક રોગોનો ભોગ બને છે. સર્વે રિપોર્ટ અનુસાર, દેશમાં 82.7 ટકા ડોકટરો તેમના વ્યવસાયમાં તણાવ અનુભવે છે.

દેશભરના વિવિધ વિભાગો સાથે જોડાયેલા 1,681 ડૉક્ટરો પર કરવામાં આવેલા આ સર્વેમાં 46.3 ટકા ડૉક્ટરોએ હિંસાના ડરને તણાવનું મુખ્ય કારણ ગણાવ્યું હતું, જ્યારે 13.7 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ફોજદારી કાર્યવાહીથી ડરતા હતા. જે ડોકટરો તેમના દર્દીઓને દરરોજ રાત્રે 6-8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે તેઓ પોતે વિવિધ કારણોસર પૂરતી ઊંઘ મેળવી શકતા નથી.

કામના દબાણને કારણે તંદુરસ્ત આહારની તો વાત જ મૂકો ઘણા લોકો સમયસર યોગ્ય ભોજન પણ મેળવી શકતા નથી.