PM મોદીએ ઈઝરાયેલને ‘રોશ હશના’ નિમિત્તે શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને યહૂદીઓના નવા વર્ષ રોશ હશના નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ અવસર પર પીએમ મોદીએ નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાના અભિનંદન સંદેશમાં પીએમ મોદીએ યહુદી ધર્મની પ્રાચીન ભાષા હિબ્રુ અને અંગ્રેજીમાં સંદેશ લખ્યો હતો. મોદીએ લખ્યું, મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયેલના લોકોને યહૂદી નવા વર્ષ રોશ હશનાહના અવસરે મારી હાર્દિક શુભેચ્છા. હું ઇઝરાયેલના તમામ લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

યહૂદી નવું વર્ષ: રોશ હશના શું છે?

રોશ હશનાહ એ યહૂદી નવું વર્ષ છે અને યહૂદી કેલેન્ડરમાં તિશ્રી મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે. આ તહેવાર યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ, પ્રાર્થના અને વધુ સારા ભવિષ્યની શરૂઆત દર્શાવે છે. તે “સૃષ્ટિ દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાને આ દિવસે વિશ્વની રચના કરી હતી.

રોશ હશનાહ બે દિવસ માટે ઉજવવામાં આવે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓથી ભરપૂર છે. આ સમય દરમિયાન, વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને શોફર (એક પ્રકારનું શિંગડું) વગાડવામાં આવે છે, જે સ્વ-જાગૃતિ અને આધ્યાત્મિક શુદ્ધિકરણનું પ્રતીક છે. આ દિવસ યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ કરવાની, પાછલા વર્ષની ભૂલો પર ચિંતન કરવાની અને આવતા વર્ષ માટે નવા સંકલ્પો કરવાની તક છે.