મુંબઇની મહિલાએ ટિક ટોક પર પ્રતિબંધની માગણી કરીઃ હાઇકોર્ટમાં અરજી

મુંબઈઃ જાણીતી વીડિયો એપ ટિક ટોક પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે એક મહિલા દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ કરાયો છે કે આ એપ પર અશિષ્ટ સામગ્રી અપલોડ કરવામાં આવે છે અને તેનાથી દેશના યુવાનોને નુકસાન થઈ રહ્યું છે. ત્રણ બાળકોની માતા હીના દરવેશે 11 નવેમ્બરે આ અરજી કરી હતી. હીના મુંબઈની રહેવાસી છે. પીઆઈએલની નકલો સોમવારે ઉપલબ્ધ કરાઈ હતી.

અરજદારે દાવો કર્યો છે કે  ટિક ટોકને કારણે ગુનાની ઘટનાઓ વધુ બની રહી છે.  કેટલાક કેસોમાં હત્યાઓ પણ થઈ હતી. કોમેડી અથવા સંગીતની ટૂંકી વિડિઓઝ ટિક ટોક પર અપલોડ અને શેર કરવામાં આવે છે.

હીના દરવેશે ગત વર્ષે મદ્રાસ હાઈકોર્ટમાં પણ આવી જ અરજી દાખલ કરી હતી, જેમાં અશ્લીલ સામગ્રી માટે એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટિક ટોક પર સતત અભદ્ર સામગ્રીથી દેશના યુવાનોને નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે જુલાઈમાં, મુંબઇ પોલીસે કેટલાક લોકો સામે ટિકટોક પર હિંસા ભડકાવવા અને ધાર્મિક જૂથોમાં દુશ્મની પેદા કરવા માટે વીડિયો પોસ્ટ કરવા બદલ બે કેસ નોંધ્યાં હતાં. આ અરજીની સુનાવણી આગામી સપ્તાહે બેન્ચ સમક્ષ આવવાની સંભાવના છે.